Bangladesh News: બાંગ્લાદેશમાં શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ફાટી નીકળેલા ભારે હોબાળા વચ્ચે એક હિંસક ઘટના સામે આવી છે. મયમનસિંહ વિસ્તારમાં એક ઉશ્કેરાયેલા ટોળાએ ઈસ્લામના અપમાનના આરોપમાં એક હિન્દુ યુવકની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવ વધુ ઘેરો બન્યો છે.
કોણ હતો મૃતક દીપુ ચંદ્ર દાસ?
હત્યાનો ભોગ બનનાર યુવકની ઓળખ 25 વર્ષીય દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે, જે હિન્દુ સમુદાયનો હતો. દીપુ મયમનસિંહના સ્ક્વેર માસ્ટરબારી વિસ્તારમાં આવેલી 'પાયોનિયર નિટ કમ્પોઝિટ ફેક્ટરી'માં મજૂર તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
હત્યા પાછળનું કારણ
સૂત્રોના જણાવ્યા અનુસાર ફેક્ટરીમાં 'વિશ્વ અરબી ભાષા દિવસ' નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન દીપુ ચંદ્ર પર ઈસ્લામ અને પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ બાબતે લોકોમાં રોષ ફેલાયો અને ઉશ્કેરાયેલા ટોળાએ તેની હત્યા કરી નાખી.
માનવતાને શરમાવે તેવી ક્રૂરતા
ઈન્સ્પેક્ટર અબ્દુલ મલિકના જણાવ્યા અનુસાર ટોળાએ દીપુની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ઢાકા-મયમનસિંહ હાઈવે પર ફેંકી દીધો અને તેને આગ ચાંપી દીધી હતી. આટલેથી ન અટકતા ટોળાએ અડધા બળેલા મૃતદેહને ઝાડ સાથે બાંધીને ફરીથી સળગાવ્યો હતો. મૃતકના પિતા રવિલાલ દાસે જણાવ્યું કે તેમને આ હૃદયદ્રાવક ઘટનાની જાણ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી.
7 શંકાસ્પદોની ધરપકડ
આ મામલે શંકાસ્પદ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઉંમર 19 થી 46 વર્ષની વચ્ચે છે, જેમાં મોહમ્મદ લિમોન સરકાર, મોહમ્મદ તારેક હુસૈન અને મોહમ્મદ માણિક મિયા જેવા શખ્સોનો સમાવેશ થાય છે. મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે નિવેદન આપ્યું છે કે આ ગુનામાં સામેલ કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહીં.
