Former Bangladesh PM Khaleda Zia: 30 ડિસેમ્બર 2025ની સવાર બાંગ્લાદેશ માટે એક દુ:ખદ સમાચાર લઈને આવી હતી, જેમાં દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને ત્રણ વખત સત્તા સંભાળનાર બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા હતા અને ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ અને લાખો સમર્થકોમાં 'દેશમાતા' તરીકે ઓળખાતા ખાલિદા ઝિયાના જવાથી બાંગ્લાદેશની લોકશાહી યાત્રાનો એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે.
15 વર્ષની ઉંમરે લગ્ન
ગૃહિણીથી 'આયર્ન લેડી' સુધીની સફર ખાલિદા ઝિયાનો જન્મ 15 ઓગસ્ટ 1945ના રોજ થયો હતો અને 1959માં માત્ર 15 વર્ષની ઉંમરે તેમના લગ્ન પાકિસ્તાની સેનાના કેપ્ટન ઝિયાઉર રહેમાન સાથે થયા હતા. 1981માં ચટગાંવમાં લશ્કરી બળવા દરમિયાન તેમના પતિની હત્યા કરવામાં આવી ત્યારે તેઓ એક સામાન્ય ગૃહિણી તરીકે જીવન જીવતા હતા. પતિના મૃત્યુ પછી વિખરાઈ રહેલી BNP પાર્ટીને બચાવવા તેઓ રાજકારણમાં આવ્યા અને 1984માં પાર્ટીના અધ્યક્ષ બન્યા. તેમણે સૈન્ય શાસક હુસૈન મુહમ્મદ એરશાદ સામે લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે લાંબો સંઘર્ષ કર્યો અને અનેકવાર જેલવાસ તેમજ નજરકેદ ભોગવ્યા.
'મધર ઓફ ડેમોક્રેસી'
1990માં એરશાદના પતન પછી 1991ની ચૂંટણીમાં BNPની જીત સાથે ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. તેમના કાર્યકાળને આર્થિક સુધારાઓ, નિકાસ વધારવા અને કેરટેકર ગવર્મેન્ટ સિસ્ટમ લાગુ કરવા માટે યાદ કરવામાં આવે છે. જોકે 2001માં ફરી સત્તામાં આવ્યા બાદ ભ્રષ્ટાચારના આરોપો અને ઇસ્લામિક કટ્ટરપંથીઓ સામેની કાર્યવાહી જેવા વિવાદો પણ તેમના શાસન સાથે જોડાયેલા રહ્યા હતા. તેમને લોકશાહી માટેના સંઘર્ષને કારણે 'આયર્ન લેડી' અથવા 'મધર ઓફ ડેમોક્રેસી' તરીકે પણ ઓળખવામાં આવે છે.
'બેટલ ઓફ ધ બેગમ્સ'
બાંગ્લાદેશનું રાજકારણ છેલ્લા ત્રણ દાયકાથી ખાલિદા ઝિયા અને શેખ હસીના વચ્ચેના સંઘર્ષની આસપાસ જ ફરતું રહ્યું છે, જેને 'બેટલ ઓફ ધ બેગમ્સ' તરીકે ઓળખવામાં આવે છે. બંને નેતાઓએ મળીને એરશાદની સરમુખત્યારશાહીને હટાવી હતી, પરંતુ બાદમાં તેઓ કટ્ટર હરીફ બની ગયા હતા. 2018માં હસીના સરકાર દરમિયાન ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસોમાં જેલની સજા થઈ હતી, જોકે સ્વાસ્થ્યના કારણોસર તેમને ઘરે નજરકેદ રાખવામાં આવ્યા હતા.
2024માં વિદ્યાર્થી આંદોલન દ્વારા શેખ હસીના સત્તા પરથી હટ્યા બાદ ખાલિદા ઝિયાને પૂર્ણ મુક્તિ મળી હતી અને તેમના પરના તમામ કેસો નાબૂદ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમનું સ્વાસ્થ્ય સતત લથડતું રહ્યું. તેઓ લિવર સિરોસિસ, કિડની ફેલિયર, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓથી પીડાતા હતા. નવેમ્બર 2025 થી તેઓ વેન્ટિલેટર અને ડાયાલિસિસ પર હતા અને અંતે તેમનું શરીર સાથ આપી શક્યું નહીં.
પુત્ર તારિક રહેમાનના હાથમાં પાર્ટીની કમાન
ખાલિદા ઝિયાના અવસાનના પાંચ દિવસ પહેલા જ તેમના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી ઢાકા પરત ફર્યા હતા. તેમણે હોસ્પિટલમાં તેમની બીમાર માતા સાથે મુલાકાત કરી હતી અને હવે તેઓ પાર્ટીની કમાન સંભાળી રહ્યા છે. ફેબ્રુઆરી 2026 માં યોજાનારી ચૂંટણીમાં તારિક રહેમાનને વડાપ્રધાન પદના મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે, જોકે દેશની વર્તમાન અસ્થિરતા અને આર્થિક સંકટ તેમના માટે મોટા પડકારો સાબિત થશે. અને હવે સૌની નજર તારિક રહેમાન પર છે કે તેઓ તેમની માતાનો વારસો કેવી રીતે આગળ ધપાવે છે.
