AI Minister Diella Pregnant With 83 Children: યુરોપિયન દેશ અલ્બાનિયામાં દુનિયાની પ્રથમ AI મંત્રી ડિએલા 'પ્રેગ્નેટ' છે. ત્યાંના વડાપ્રધાન એડી રામાએ જાતે જ જાહેરાત કરી છે કે તેમની AI મિનિસ્ટર 'પ્રેગ્નેટ' છે અને 83 બાળકોને જન્મ આપવા જઈ રહી છે. આ વાત વિચિત્ર લાગે તેવી છે કે AI થી બાળકો પણ પેદા થઈ શકે. પણ સત્ય છે કે દુનિયાની પ્રથમ AI જનરેટેડ મંત્રી ડિએલા 83 'બાળકો' ને જન્મ આપવા જઈ રહી છે.
કોણ છે AI મંત્રી ડિએલા
ડિએલા દુનિયાની પ્રથમ AI મંત્રી છે. તેની નિમણૂક સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. આ સાથે અલ્બાનિયા એક AI બોટને 'મંત્રી' તરીકે નિયુક્ત કરનારો પ્રથમ દેશ પણ બન્યો. ડિએલાને ત્યાંની સંસદમાં પરંપરાગત અલ્બેનિયન વેશભૂષામાં રજૂ કરવામાં આવી હતી. સામાન્ય ભાષામાં કહીએ તો ડિએલા એક ચેટબોટ છે જે તમામ સરકારી કોન્ટ્રાક્ટની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે.
વડાપ્રધાન એડી રામાના મતે ડિએલાની નિમણૂક ભ્રષ્ટાચારનો સામનો કરવા અને સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે. AI બોટ ડિએલા જેનો અલ્બેનિયન ભાષામાં અર્થ 'સૂર્ય' થાય છે, તે સરકારી પ્રોજેક્ટ્સ, ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવતા તમામ જાહેર ટેન્ડરોની દેખરેખ રાખશે. બાલ્કન દેશોમાં સરકારી પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે.
83 AI બાળકોનું રહસ્ય શું છે
વડાપ્રધાન એડી રામાએ બર્લિનમાં ગ્લોબલ ડાયલોગને સંબોધિત કરતી વખતે આ અજીબોગરીબ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ડિએલા 83 AI બાળકોને જન્મ આપશે, જે સમાજવાદી પક્ષના દરેક સાંસદ માટે એક હશે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દરેક બાળક સંસદીય સત્રોમાં ભાગ લેનારાઓ માટે સહાયક તરીકે કામ કરશે. તેઓ થનારી દરેક વસ્તુનો રેકોર્ડ રાખશે. તેઓ સંસદ સભ્યોને સૂચનો આપશે. વળી આ બાળકો તેમની માતાને જાણશે. એડી રામાએ વર્ષ 2026ના અંત સુધીમાં આ AI બાળકો સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
તેમના જણાવ્યા અનુસાર જો સંસદમાં કોઈ વ્યક્તિ કોફી પીવા માટે બહાર જાય તો તેમનું AI બાળક તેમને જણાવશે કે તેમની ગેરહાજરીમાં શું થયું. તેમણે હવે કયા વિષય પર વાત કરવી જોઈએ તે અંગે પણ તે સૂચન આપશે. આનો અર્થ એ છે કે દરેક સભ્ય પાસે પોતાનો એક ડિજિટલ સહાયક હશે.
