Volodymyr Zelensky On PM Modi: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લગભગ ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ દાવો કર્યો હતો કે 29 ડિસેમ્બરે યુક્રેને 91 ડ્રોન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નોવગોરોડ સ્થિત આવાસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અહેવાલો સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનના આવાસને નિશાન બનાવવાના અહેવાલોથી તેઓ ખૂબ જ ચિંતિત છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ લગાવ્યો 'બેવડા ધોરણો'નો આરોપ
વડાપ્રધાન મોદીના આ નિવેદન પર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ આકરી નારાજગી વ્યક્ત કરી છે અને ભારતની ટીકા કરી છે. ઝેલેન્સ્કીએ ભારત પર બેવડા વલણનો આરોપ લગાવતા કહ્યું કે ભારત સહિતના જે દેશો પુતિનના આવાસ પર થયેલા કથિત હુમલાની નિંદા કરી રહ્યા છે, તેઓએ યુક્રેનમાં બાળકો પર થઈ રહેલા હુમલાઓ અને સામાન્ય લોકોના મોત પર ક્યારેય કંઈ કહ્યું નથી. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઈમાનદારીથી કહું તો આ ભારત પાસેથી સાંભળવું ભ્રમિત કરનારું અને ખરાબ છે.
યુક્રેન દ્વારા હુમલાના દાવાઓનું ખંડન
યુક્રેને રશિયાના આ તમામ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેન દ્વારા આવો કોઈ હુમલો કરવામાં આવ્યો નથી. યુક્રેનના વિદેશ મંત્રી સિબિહાએ પણ ભારત, યુએઈ અને પાકિસ્તાનના નિવેદનો પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે રશિયાએ પુતિનના આવાસ પર હુમલાનો કોઈ વિશ્વસનીય પુરાવો આપ્યો નથી અને તે આપી શકશે પણ નહીં, કારણ કે આવો કોઈ હુમલો થયો જ નથી.
શાંતિ માટે પીએમ મોદીની અપીલ
પોતાના નિવેદનમાં વડાપ્રધાન મોદીએ શાંતિ સ્થાપવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજદ્વારી પ્રયાસો જ દુશ્મનાવટ ખતમ કરવા અને શાંતિ હાંસલ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ સાથે જ તેમણે તમામ પક્ષોને એવા કોઈ પણ પગલાં ન લેવાની અપીલ કરી હતી જે શાંતિ પ્રક્રિયાને નબળી પાડી શકે. જોકે ઝેલેન્સ્કીએ ભારપૂર્વક સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે રશિયા લાંબા સમયથી યુક્રેનના બાળકોને નિશાન બનાવી રહ્યું છે, ત્યારે ભારતે આ રીતે ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી.
