international
China Covid Protest: ચીનના અનેક વિસ્તારમાં હિંસક પ્રદર્શનો, બેકફુટ પર આવેલી સરકારે કેટલીક જગ્યાએથી કોરોના પ્રતિબંધ હટાવ્યા
બેઈજિંગઃ ચીનમાં એક તરફ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે, તો બીજી બાજુ ત્યાંના લોકોમાં કોવિડ નિયમોના કડકપણ પાલન કરાવવામાં આવતા કોમ્યુનિસ્ટ સરકાર (CPP) પ્રત્યે નારાજગી હવે ગુસ્સામાં પરિવર્તિત થઈ છે. લોકોમાં રોષ એટલો વધી ગયો છે કે નાગરિકો વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજીનામાની માગ કરવા લાગ્યા છે. સરકાર વિરૂદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
ચીનની સરકારે દેશના અલગ-અલગ વિસ્તારમાં કોવિડને લગતા કડક પ્રતિબંધ લાગુ કર્યા છે. જેને લઈને ચીનના લોકોમાં ગુસ્સો છે. ચીનના અલગ-અલગ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનોના સમાચાર સામે આવી રહ્યાં છે. ઝીરો કોવિડ પોલિસી અંતર્ગત અપનાવવામાં આવતા કડક પ્રતિબંધ લોકો પરેશાન છે. લોકોનો ગુસ્સો હવે ચીનની સરકાર માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે.
ચીનના પશ્ચિમ વિસ્તારના શિનજિયાંગ પ્રાંતના ઉરુમકીના લોકો એક રહેણાંક ઈમારતને આગ લગાડી દીધી જેને પરિણામે 10 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કોવિડને લઈને કડક નિયમોને કારણે ચીનના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. શિનજિયાંગ સહિત અનેક વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ચીન કોમ્યુનિસ્ટ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા છે. શનિવારથી આ વિરોધ પ્રદર્શ વધુ ઉગ્ર બની રહ્યાં છે.
શાંઘાઈમાં સ્ટેપ ડાઉન જિનપિંગના નારા
ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈના અલગ અલગ વિસ્તારના રસ્તાઓ પર સેંકડોની સંખ્યામાં લોકો ઉતરી આવ્યા છે. કોવિડને લઈને સરકારની કડક નીતિઓથી લોકોમાં આક્રોશ એટલો છે કે તે તમામ કોમ્યુનિસ્ટ પાર્ટીને હટાવો, કોમ્યુનિસ્ટ પાર્ટી પદ છોડો અને શી જિનપિંગ પદ છોડો જેવાં સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે.
રસ્તા પર ઉતરેલા લોકોનું માનવું છે કે જો શિનજિયાંગમાં કડક કોવિડ નિયમ લાગુ ન થયા હોત તો આગની ઘટના પર તાત્કાલિક કાબુ લાવી શકાયો હોત અને આ ઘટનામાં લોકો મોતને ન ભેટ્યા હોત. અહીંના લોકો કોમ્યુનિસ્ટ સરકારથી શિનજિયાંગ પ્રાંતમાંથી તાત્કાલિક લોકડાઉન હટાવવાની માગ કરી રહ્યાં છે. તો પોલીસને મોડી રાત્રે પ્રદર્શનકારીઓને રોકવા માટે મરચાંના સ્પ્રેનો ઉપયોગ કર્યો.
પોલીસ લોકોને જવાબદાર ગણાવે છે
ઉરુમકીના સ્થાનિક અધિકારી તે વાતનો ઈન્કાર કરી રહ્યાં છે કે કોવિડ પ્રતિબંધને કારણે આગ પર કાબૂ મેળવવામાં મોડું થયું. તેનાથી વિપરીત પ્રશાસને ઈમારતમાં રહેતા લોકોની બેદરકારીને જવાબદાર ગણાવી છે. પોલીસે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અંગે ખોટી જાણકારી આપવાનો આરોપ લગાવ્યો અને એક મહિલાની ધરપકડ કરી છે. જેના કારણે ચીનના લોકોમાં ગુસ્સો વધુ ભડક્યો છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અમે કોવિડ માટે PCR નથી કરાવવા માગતા, અમને સ્વતંત્રતા જોઈએ, પ્રેસની આઝાદી જોઈએ. ઉરુમકીમાં ત્રણ મહિનાથી વધુ સમયથી લોકડાઉન લાગુ છે. લોકોના ગુસ્સાને જોતા સ્થાનિક પ્રશાસને શહેરના કેટલાંક વિસ્તારમાંથી કોવિડ પ્રતિબંધો હટાવી દીધા છે.
કોમ્યુનિસ્ટ સરકારનો દેશવ્યાપી વિરોધ
શંઘાઈ શહેરના 2.5 કરોડ લોકો આ વર્ષની શરૂઆતમાં બે મહિના માટે લોકડાઉનમાં રહેવા માટે મજબૂર કર્યા હતા. લોકડાઉનને લઈને પહેલેથી નારાજ અહીંના લોકોમાં ઉરુમકીની આગની ઘટનાથી ગુસ્સો વધુ જોવા મળી રહ્યો છે. શંઘાઈમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે કેટલીક જગ્યાએ ઘર્ષણ પણ થયું છે. ચીનના ઉત્તર-પશ્ચિમ શહેર લાન્ઝુમાં લોકોએ શનિવારે કોવિડ સ્ટાફ માટે બનાવવામાં આવેલ ટેન્ટ ઉખેડી નાખ્યા હતા અને ટેસ્ટ માટે બનાવવામાં આવેલા બૂથને તોડી નાખ્યા હતા. આ લોકોનું કહેવું હતું કે પોઝિટિવ કેસ ન હોવા છતાં લોકડાઉન અંતર્ગત રાખવામાં આવ્યા હતા. નાનઝિંગ અને બેઇજિંગ સહિત અનેક શહેરોના વિશ્વવિદ્યાલયોમાં ઉરુમકી પીડિતો માટે કેન્ડલલાઈટ જુલૂસ કાઢવામાં આવ્યા.
ચીનમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું
છેલ્લાં પાંચ દિવસમાં ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે.શનિવારે લગભગ 40 હજાર કેસ સામે આવ્યા હતા. છેલ્લાં 6 મહિનાથી આ આંકડા સૌથી વધુ છે. ચીનના અનેક શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ બની ગઈ છે. લોકોમાં ડર છે કે ચીન સરકારની ઝીરો કોવિડ નીતિના કારણે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે. આ ડર અને ગુસ્સાની અસર છે હવે લોકો ખુલીને સરકારનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી રહ્યાં છે.
પ્રતિબંધથી ફેક્ટરીઓમાં રોષ
ચીનની ફેક્ટરીમાં કર્મચારીઓ વચ્ચે ઘણી નારાજગી છે. બે દિવસ પહેલા જ કડક કોવિડ નિયમોના કારણે ચીનમાં આઈફોન બનાવનારી ફોક્સકોન ફેક્ટરીથી 20 હજાર કર્મચારી ભાગી ગયા હતા. હેનાન પ્રાંતના ઝેંગઝોઉ સ્થિત ફોક્સકોન ફેક્ટરીમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને ભાગતા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ પહેલાં તે ફેક્ટરીના કર્મચારીઓ પોલીસ વચ્ચે અથડામણના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. કેપિટલ ઈકોનોમિક્સના માર્ક વિલિયમ્સનું માનવું છે કે જે પ્રકારની સ્થિતિ બની છે તેને જોતા આગામી કેટલાંક સપ્તાહમાં ચીનની અર્થવ્યવસ્થા અને હેલ્થ સિસ્ટમ બગડી શકે છે.