India Russia Oil Trade: યુએસ સેનેટે રશિયન તેલ અને ગેસના વેચાણ પર કડક પ્રતિબંધો લાદવા અંગેના લાંબા સમયથી પડતર બિલને ભારે બહુમતી સાથે મંજૂરી આપી દીધી છે. સેનેટમાં આ બિલના પક્ષમાં 86 અને વિરોધમાં માત્ર 11 મત પડ્યા હતા. આ નવા કાયદાના અમલીકરણથી વૈશ્વિક ઉર્જા બજારમાં મોટો ભુકંપ આવી શકે છે, જેની સૌથી મોટી અને સીધી અસર ભારત, ચીન, જાપાન અને કેટલાક યુરોપિયન દેશો પર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
100 ટકા સુધીના આયાત ટેરિફની જોગવાઈ
આ બિલ હેઠળ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખાસ વિશેષાધિકાર અને સત્તા આપવામાં આવશે. જેના અંતર્ગત, રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ કે ગેસ ખરીદનારા દેશોમાંથી અમેરિકામાં આયાત થતા માલ-સામાન પર 100 ટકા સુધીનો ભારે ટેરિફ (આયાત ડ્યુટી) લાદી શકાશે.
પ્રખ્યાત રિપબ્લિકન કાયદા નિર્માતા અને યુક્રેનના કટ્ટર સમર્થક લિન્ડસે ગ્રેહામ આ બિલના મુખ્ય સમર્થકોમાં સામેલ હતા. આ બિલ આગામી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકી પ્રતિનિધિ ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) માં રજૂ થવાની અપેક્ષા છે. ત્યાંથી પસાર થયા બાદ તેને આખરી મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે, અને તેમના હસ્તાક્ષર થતાં જ આ કડક પ્રતિબંધો કાયદાકીય રીતે અમલમાં આવી જશે.
રશિયા પર આર્થિક દબાણ લાવવાનો મુખ્ય હેતુ
અમેરિકા અને તેના સહયોગી દેશોનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેન સાથે છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે રશિયાની આર્થિક કરોડરજ્જુ તોડવાનો છે. રશિયા માટે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની નિકાસ એ કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ પ્રતિબંધો દ્વારા રશિયા પર આકરાં આર્થિક દબાણ ઊભા કરીને તેને યુદ્ધ વિરામ અને શાંતિ કરાર કરવા માટે મજબૂર કરવાનો વ્યૂહાત્મક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને ચીન માટે કેમ ચિંતાજનક?
યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીના સમયગાળામાં ભારતે પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં ભારત રશિયા પાસેથી દૈનિક 2 મિલિયન (20 લાખ) બેરલથી પણ વધુ કાચું તેલ આયાત કરી રહ્યું છે, આ ઉપરાંત ગેસની આયાત પણ થઈ રહી છે.
જો આ બિલ કાયદો બની જશે, તો ભારત અને ચીન જેવા દેશો માટે રશિયા પાસેથી ઈંધણ ખરીદવું અત્યંત મુશ્કેલ બની શકે છે. જો અમેરિકા ભારતીય ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લાદે, તો ભારતની અમેરિકા સાથેની આંતરરાષ્ટ્રીય નિકાસને ભારે આર્થિક ફટકો પડી શકે છે, જેના કારણે વેપાર અને રાજદ્વારી સંબંધો પર તેની દૂરગામી અસરો જોવા મળશે.
