ફ્લાયદુબઈના ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરનું અમેરિકી સંસદમાં સન્માન, આતંકી હુમલો નિષ્ફળ બનાવનાર સાહસને વખાણાયું

ફ્લાયદુબઈ ફ્લાઇટમાં કો-પાઈલટના હુમલાને નિષ્ફળ બનાવનાર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદૂરી બદલ US સંસદમાં પ્રસ્તાવ પાસ કરાયો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 06 Oct 2026 11:34 PM (IST)Updated: Tue, 06 Oct 2026 11:34 PM (IST)
us-house-honors-captain-smit-machhar-for-thwarting-flydubai-attack

Captain Smit Machhar Honored: ફ્લાયદુબઈ (Flydubai) ફ્લાઇટમાં કો-પાઈલટ દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાને પોતાની સૂઝબૂઝ અને અદભુત સાહસથી નિષ્ફળ બનાવનાર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સંસદ (US House of Representatives) દ્વારા આ ભારતીય પાઇલટના સાહસને બિરદાવતો એક ખાસ પ્રસ્તાવ રજૂ અને પાસ કરવામાં આવ્યો છે, જેમાં તેમની વીરતાની ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે.

અમેરિકી સંસદ (US House of Representatives) દ્વારા પ્રસ્તાવ અને સન્માન

ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના ક્રૂ મેમ્બર્સના સાહસને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. અમેરિકી સંસદના પ્રતિનિધિઓ જોશ ગોટહાઇમર, ડોન બેકન અને માઈકલ મેકકોલ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

આ પ્રસ્તાવની મુખ્ય અને મહત્ત્વની બાબતો નીચે મુજબ છે-

સાહસનું સન્માન: US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે કેપ્ટન સ્મિત મચ્છર દ્વારા વિમાનમાં સવાર દરેક વ્યક્તિની સુરક્ષા માટે દેખાડવામાં આવેલા અસાધારણ સાહસ અને બહાદુરીને બિરદાવ્યા છે.

ક્રૂ અને મુસાફરોની પ્રશંસા: ઓફ-ડ્યુટી પાઇલટ્સ, કેબિન ક્રૂ અને તે જાગ્રત મુસાફરોના સાહસને સલામ કરવામાં આવી છે જેમણે સમયસર કોકપિટને સુરક્ષિત કરી વિમાનને દુર્ઘટનાથી બચાવ્યું.

ઘાયલો માટે પ્રાર્થના: પ્રસ્તાવમાં કેપ્ટન સ્મિત મચ્છર અને આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી સાજા થાય તેવી કામના કરવામાં આવી છે.

આતંકવાદી હુમલા તરીકે નિંદા: ફ્લાયદુબઈ ફ્લાઇટ 1073 પર થયેલા આ હુમલાને આતંકવાદની ઘટના ગણાવવામાં આવી છે અને તેને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન(Aviation)ની સુરક્ષા પર સીધો હુમલો ગણાવી તેની આકરી નિંદા કરવામાં આવી છે.

ઝડપી તપાસની માગ: પ્રસ્તાવમાં સાઉદી અરેબિયા અને UAE સરકારો પાસે આ મામલાની ત્વરિત અને નિષ્પક્ષ તપાસની માગણી કરવામાં આવી છે, સાથે જ તેની સંપૂર્ણ માહિતી અમેરિકા અને ઇઝરાઇલ સાથે શેર કરવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે.

 

30 સપ્ટેમ્બરની ફ્લાયદુબઈ ફ્લાઇટની ઘટના: શું થયું હતું કોકપિટમાં?

ગત 30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 હવામાં હતી, ત્યારે એક અત્યંત ચોંકાવનારી ઘટના બની. ફ્લાઇટના ઓમાની કો-પાઈલટે અચાનક ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી જીવલેણ હુમલો કરી દીધો. આ હુમલાનો હેતુ વિમાનનો કબજો મેળવીને તેને ક્રેશ કરવાનો હતો.

આ હુમલામાં કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમ છતાં તેમણે અસાધારણ હિંમત દાખવીને કોકપિટનો દરવાજો ખોલ્યો અને સમયસૂચકતા વાપરી. ત્યારબાદ ફ્લાઇટના કેબિન ક્રૂ, અન્ય મુસાફરો અને તે જ ફ્લાઇટમાં સફર કરી રહેલા ઓફ-ડ્યુટી (Off-duty) બે પાઇલટ્સે મળીને હુમલાખોર કો-પાઈલટ પર કાબૂ મેળવ્યો. આ તમામની સામૂહિક સૂઝબૂઝથી વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું, જેના કારણે સેંકડો મુસાફરોના પ્રાણ બચી ગયા હતા.

UAEની તપાસ અને આતંકી કાવત્રાનો ખુલાસો

ઘટના બાદ સંયુક્ત આરબ અમીરાત (UAE)એ આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. 3 ઓક્ટોબરે UAEના એર્ટોની જનરલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે કો-પાઈલટ દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય કોઈ સામાન્ય ઝઘડો નહીં, પરંતુ એક સુનિયોજિત આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ હતો. હાલ સુરક્ષા એજન્સીઓ આ મામલે આરોપીના હેતુ, તેના સંભવિત જોડાણો અને ભૌતિક તથા ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.