Donald Trump Tariff Policy: યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવા માટેના એક મહત્વકાંક્ષી ખરડા પર મતદાન કરવા જઈ રહ્યું છે. આ પ્રસ્તાવિત કાયદા હેઠળ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ઊર્જા સંસાધનો ખરીદતા દેશો પર 100 ટકા સુધીની આયાત જકાત લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ સુધારા વિધેયકમાં ભારતનો પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
'લિન્ડસે ઓ. ગ્રેહામ એક્ટ' અને ભારત પર અસર
આ ખરડાનું શીર્ષક 'લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026' છે. યુએસ સેનેટે ગત મહિને 86-11 ની ભારી બહુમતી સાથે તેને મંજૂરી આપી દીધી હતી, જે બાદ હવે તે હાઉસ રૂલ્સ કમિટી દ્વારા આગળ વધીને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ સમક્ષ રજૂ થયો છે.
ડેમોક્રેટિક કોંગ્રેસમેન સ્ટેની હોયર દ્વારા રજૂ કરવામાં આવેલા સુધારામાં 10 એવા દેશોની યાદી તૈયાર કરવામાં આવી છે જેઓ રશિયન ઊર્જા ખરીદવા બદલ 100% સુધીના ટેરિફનો ભોગ બની શકે છે. આ દેશોમાં **ભારત, ચીન, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાક રિપબ્લિક, સંયુક્ત આરબ અમીરાત (UAE), સિંગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિક** નો સમાવેશ થાય છે.
ટેરિફ આપમેળે લાગુ નહીં થાય
રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ બિલ પસાર થતાં જ ભારત પર આપમેળે 100 ટકા ટેરિફ લાગુ થઈ જશે નહીં. જો આ ખરડો હાઉસમાં પસાર થઈને કાયદો બનશે, તો તે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક વિશેષ સત્તા આપશે. જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો જ તેઓ આ સત્તાનો ઉપયોગ કરીને ભારત જેવા આયાતકાર દેશો પર આ ભારે ટેરિફ લાદી શકશે.
અગાઉ સેનેટ દ્વારા પસાર કરાયેલા સંસ્કરણમાં દેશોના નામ સીધા આપવામાં આવ્યા નહોતા, પરંતુ રશિયન તેલના ટોચના 5 આયાતકારોનો સામૂહિક ઉલ્લેખ હતો. આ ખરડાનો મુખ્ય હેતુ રશિયાના ઊર્જા ક્ષેત્ર, તેના નેતૃત્વ અને ટેન્કરો પર શિકંજો કસવાનો છે, જેથી રશિયાની યુદ્ધ ભંડોળ એકઠું કરવાની ક્ષમતા ઘટાડી શકાય.
