US Ambassadors: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એક મોટું કદમ ઉઠાવતા 29 દેશોમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ એવા રાજદ્વારીઓ છે જેઓની નિમણૂક બાઈડેન વહીવટીતંત્ર દરમિયાન કરવામાં આવી હતી. જોકે આ રાજદૂતો ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન પણ પોતાના પદ પર કાર્યરત હતા, પરંતુ હવે તેમને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વિદેશ નીતિમાં 'અમેરિકા ફર્સ્ટ'ને પ્રાધાન્ય
યમ્પ વહીવટીતંત્રના આ પગલાથી અમેરિકાની વિદેશ નીતિમાં મોટા ફેરફારોની તૈયારી દેખાઈ રહી છે. આ ફેરબદલ પાછળનો મુખ્ય હેતુ એવા વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવાનો છે જેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' પ્રાથમિકતાઓનું સંપૂર્ણ રીતે સમર્થન કરતા હોય. આ નિર્ણય દ્વારા ટ્રમ્પ પોતાના વહીવટીતંત્રની વિચારધારાને વૈશ્વિક સ્તરે મજબૂત કરવા માંગે છે.
જાન્યુઆરીમાં સેવાઓ થશે સમાપ્ત
વિદેશ વિભાગના અધિકારીઓ અનુસાર પાછા બોલાવવામાં આવેલા રાજદૂતોને જાણ કરવામાં આવી છે કે તેમની સેવાઓ જાન્યુઆરીમાં સમાપ્ત થશે. આ રાજદૂતોને ગત બુધવારથી વોશિંગ્ટનથી નોટિસ મળવાની શરૂઆત થઈ ગઈ હતી. સામાન્ય રીતે રાજદૂતો ત્રણથી ચાર વર્ષ સુધી પદ પર રહેતા હોય છે, પરંતુ તેઓ રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર જ કાર્ય કરે છે અને રાષ્ટ્રપતિ તેમને ગમે ત્યારે પાછા બોલાવી શકે છે.
કયા દેશો પર પડશે આ નિર્ણયની અસર?
આ નિર્ણયની સૌથી વધુ અસર આફ્રિકન દેશો પર પડી છે, જ્યાંથી કુલ 13 દેશોના રાજદૂતોને બદલવામાં આવી રહ્યા છે, જેમાં નાઈજીરિયા, સોમાલિયા અને રવાન્ડા જેવા દેશો સામેલ છે. એશિયાના 6 દેશો જેવા કે ફિલિપાઈન્સ, વિયેતનામ અને ફિજીમાં તૈનાત રાજદૂતોને પણ બદલવામાં આવશે. આ ઉપરાંત યુરોપના 4 દેશો, મધ્ય પૂર્વના 2 દેશો (અલ્જીરિયા અને ઇજિપ્ત) અને દક્ષિણ એશિયાના નેપાળ તથા શ્રીલંકા જેવા દેશોમાંથી પણ રાજદૂતોને પરત બોલાવવામાં આવ્યા છે.
જોકે આ રાજદૂતોને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે, પરંતુ તેમની વિદેશ સેવાની નોકરીઓ છીનવાશે નહીં. આ 'કરિયર ડિપ્લોમેટ્સ' ઈચ્છે તો અન્ય કાર્યભાર સંભાળવા માટે વોશિંગ્ટન પરત ફરી શકશે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ પ્રક્રિયાને એક સામાન્ય વહીવટી પ્રક્રિયા ગણાવી છે.
