US Green Card New Rules: યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા અને તેના નિયમોમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2026થી એક મહત્વપૂર્ણ અને મોટો ફેરફાર અમલી બન્યો છે. યુ.એસ. સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા "પબ્લિક ચાર્જ" (સરકારી સહાય કે જાહેર બોજ પર નિર્ભરતા) ના આધારે અયોગ્યતા નક્કી કરવા માટેની નવી અને વ્યાપક માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે. આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ તપાસવાનો છે કે ગ્રીન કાર્ડ મેળવનાર વ્યક્તિ ભવિષ્યમાં સરકારી નાણાકીય સહાય પર નિર્ભર બનશે કે કેમ. આ બદલાવથી કૌટુંબિક અને રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ અરજદારો માટે નાણાકીય કસોટીઓ વધુ કડક બનશે.
ફોર્મ I-485 માં ફેરફાર અને ત્રણ તબક્કાનો ફાઇલિંગ નિયમ
આ અપડેટ કરેલી માર્ગદર્શિકા 18 સપ્ટેમ્બર અથવા તે પછી દાખલ કરાયેલ તમામ "એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ" (ફોર્મ I-485) અરજીઓને સીધી રીતે લાગુ થશે. આ તારીખથી જૂના ફોર્મ્સ અમાન્ય બનશે. USCIS એ મૂલ્યાંકન માટે ફાઇલિંગ ડેટ આધારિત ત્રણ અલગ-અલગ તબક્કા નક્કી કર્યા છે:
- 1) 18 સપ્ટેમ્બર 2026 અથવા તે પછી: નવી 2026ની વ્યાપક અને કડક માર્ગદર્શિકા લાગુ પડશે.
- 2) 23 ડિસેમ્બર 2022 થી 17 સપ્ટેમ્બર 2026 વચ્ચે: 2022નો મર્યાદિત નિયમ લાગુ થશે.
- 3) 23 ડિસેમ્બર 2022 પહેલાં: 1999ની જૂની 'ઇન્ટિરિમ ફીલ્ડ ગાઇડન્સ' મુજબ કેસ ચલાવાશે.
તપાસ માટેના 5 કાયદાકીય પરિબળો
નવા નિયમ હેઠળ અધિકારીઓ કોઈ એક 'સ્પષ્ટ સીમારેખા' નક્કી કરવાને બદલે અરજદારના પાંચ મહત્વપૂર્ણ પાસાઓ તપાસશે: ઉંમર, સ્વાસ્થ્ય, કૌટુંબિક સ્થિતિ, નાણાકીય સંસાધનો/સંપત્તિ, તથા શિક્ષણ અને કૌશલ્ય. 18 સપ્ટેમ્બર પછી અરજી કરનારાઓ માટે આવક-આધારિત લાભો જેવા કે ફૂડ સ્ટેમ્પ્સ, આવાસ સહાય અને મેડિકેડ તેમજ ભૂતકાળમાં મેળવેલી રોકડ સહાય અને લાંબા ગાળાની સંસ્થાકીય સંભાળ (જેમ કે નર્સિંગ હોમ) ને વિરૂદ્ધના પુરાવા તરીકે ગણવામાં આવી શકે છે.
કોને અસર થશે અને કોને મુક્તિ મળશે?
- અસર હેઠળ આવતી શ્રેણીઓ: ફેમિલી-બેઝ્ડ, એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ, ડાયવર્સિટી વિઝા (લોટરી) અરજદારો, ધાર્મિક કાર્યકર્તાઓ, 180 દિવસથી વધુ વિદેશમાં વિતાવીને પરત ફરતા LPRs અને TPS ધરાવતા લોકો જેઓ પાછળથી ફેમિલી પિટિશનથી સ્ટેટસ બદલે છે.
- મુક્તિ મેળવેલી શ્રેણીઓ: યુ.એસ. નાગરિકો, શરણાર્થીઓ (Refugees), આશ્રય મેળવનારાઓ (Asylees), T/U વિઝા ધારકો (પીડિતો), VAWA સ્વ-અરજી કરનારાઓ, ક્યુબન એડજસ્ટમેન્ટ એક્ટ હેઠળના અરજદારો, ગ્રીન કાર્ડ રિન્યુ કરાવનારા અને નેચરલાઇઝેશન (નાગરિકત્વ) ના અરજદારો.
- આ ફેરફારોથી હવે અરજી ફાઇલ કરવાની સમયવિન્ડો ખુબ જ નિર્ણાયક બની રહેશે.
