Russia Plague Outbreak: રશિયામાં ન્યુમોનિક પ્લેગના શંકાસ્પદ કેસથી ચિંતા, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની આપી સલાહ

રશિયાના ઈરકુત્સ્ક વિસ્તારમાં ન્યુમોનિક પ્લેગના શંકાસ્પદ કેસ બાદ ચિંતા વધી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને રશિયાની મુસાફરી ટાળવા અને ત્યાંથી તાત્કાલિક નીકળી જવાની સલાહ આપી છે. WHO અને રશિયન તંત્રે પણ સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 07 Oct 2026 11:39 AM (IST)Updated: Wed, 07 Oct 2026 11:39 AM (IST)
us-embassy-urges-americans-to-leave-russia-immediately-amid-plague-fears

Plague Outbreak Russia 2026: રશિયાના ઈરકુત્સ્ક પ્રદેશમાં ન્યુમોનિક પ્લેગના શંકાસ્પદ કેસના અહેવાલો સામે આવ્યા બાદ વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પોતાના નાગરિકોને રશિયાની મુસાફરી ટાળવા અને હાલ રશિયામાં રહેલા લોકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપી છે.

શું છે સમગ્ર મામલો?

રશિયાના ઈરકુત્સ્ક પ્રદેશમાં સંભવિત ન્યુમોનિક પ્લેગ (Pneumonic Plague) સાથે જોડાયેલા અહેવાલો સામે આવ્યા બાદ મોસ્કો સ્થિત અમેરિકી દૂતાવાસે 6 ઓક્ટોબર, 2026ના રોજ વિશેષ Health Alert જાહેર કર્યું છે. એક મહિલા સંશોધકના મોત અને ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં અપનાવવામાં આવેલા ક્વોરેન્ટાઇન પગલાંને ધ્યાનમાં રાખીને અમેરિકી વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકોને રશિયાની મુસાફરી ન કરવાની અને ત્યાં હાજર લોકોને તાત્કાલિક દેશ છોડવાની સલાહ આપી છે.

રિસર્ચ લેબમાં ટેસ્ટ ટ્યુબ તૂટ્યાની ઘટના

અહેવાલો અનુસાર, ઈરકુત્સ્ક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લેગ કન્ટ્રોલમાં કાર્યરત 28 વર્ષીય મહિલા લેબ કર્મચારી ડારિયા શિપિલોવા (Darya Shipilova) પાસે 25 સપ્ટેમ્બરે ન્યુમોનિક પ્લેગના બેક્ટેરિયા ધરાવતી ટેસ્ટ ટ્યુબ કથિત રીતે તૂટી ગઈ હતી. ત્યારબાદ 29 સપ્ટેમ્બરે તેને ગંભીર ન્યુમોનિયાના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 2 ઓક્ટોબરે તેનું મોત થયું હતું.

ઘટના બાદ રશિયન સત્તાવાળાઓએ કેટલીક હોસ્પિટલોમાં ક્વોરેન્ટાઇન વ્યવસ્થા અમલમાં મૂકી હતી અને તેના સંપર્કમાં આવેલા આશરે 200 લોકોને તબીબી દેખરેખ હેઠળ રાખ્યા હતા. જોકે, ઈરકુત્સ્કના ગવર્નર ઈગોર કોબઝેવે જણાવ્યું હતું કે નિરીક્ષણ હેઠળ રહેલા કોઈપણ વ્યક્તિમાં પ્લેગના લક્ષણો જોવા મળ્યા નથી અને તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

રશિયન તંત્ર અને WHO શું કહે છે?

રશિયન આરોગ્ય સત્તાવાળાઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ને માહિતી આપતાં જણાવ્યું છે કે ઈરકુત્સ્કમાં પ્લેગનો કોઈ સત્તાવાર કેસ નોંધાયો નથી. તેમના જણાવ્યા અનુસાર મૃતક મહિલાનું મોત અજ્ઞાત કારણોસર થયેલા ન્યુમોનિયાને કારણે થયું હતું.

WHOની પ્રાથમિક આકારણી મુજબ ઈરકુત્સ્ક માટે જાહેર આરોગ્ય જોખમ મધ્યમથી ઓછું, સમગ્ર રશિયા માટે ઓછું અને યુરોપિયન પ્રદેશ માટે અત્યંત ઓછું માનવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે સમયસર એન્ટીબાયોટિક સારવાર આપવામાં આવે તો ન્યુમોનિક પ્લેગનો સફળતાપૂર્વક ઈલાજ શક્ય છે.

અમેરિકી દૂતાવાસની કડક ચેતવણી

મોસ્કો સ્થિત અમેરિકી દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે મોસ્કોની બહાર અમેરિકી નાગરિકોને મદદ કરવાની તેમની ક્ષમતા ખૂબ મર્યાદિત છે. હાલમાં રશિયા અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટની Level 4 – Do Not Travel શ્રેણીમાં સામેલ છે.

દૂતાવાસે અમેરિકી નાગરિકોને સ્થાનિક આરોગ્ય અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા, તાવ અથવા શ્વાસ સંબંધિત લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી મદદ લેવા અને સંક્રમણની શંકા ધરાવતી આરોગ્ય સુવિધાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.