UK Derby Kabaddi Violence: બ્રિટનના ડર્બી શહેરમાં વર્ષ 2023માં એક કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન ભીષણ હિંસા ફાટી નીકળી હતી. આ મામલામાં સંડોવાયેલા ભારતીય મૂળના ત્રણ વ્યક્તિઓને બ્રિટનની કોર્ટે જેલની સજા ફટકારી છે. ડર્બી પોલીસના જણાવ્યા અનુસાર બુટા સિંહ, દમનજીત સિંહ અને રાજવિંદર તખર સિંહને નવેમ્બર મહિનામાં ચાલેલા મુકદ્દમામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારબાદ 19 ડિસેમ્બરના રોજ ડર્બી ક્રાઉન કોર્ટે તેમને સજા સંભળાવી હતી.
શું છે આરોપ
કોર્ટે આ ત્રણેય આરોપીઓને હિંસક અરાજકતા ફેલાવવા બદલ અલગ-અલગ જેલની સજા આપી છે. મુખ્યત્વે બુટા સિંહને 4 વર્ષની જેલ, દમનજીત સિંહને 3 વર્ષ અને 4 મહિનાની જેલ, તેમજ રાજવિંદર તખર સિંહને 3 વર્ષ અને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ત્રણેય વ્યક્તિઓ પર હિંસક અરાજકતા ફેલાવવા અને વાંધાજનક હથિયારો રાખવાના ગંભીર આરોપો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.
અગાઉથી આયોજિત હિંસા
તપાસમાં બહાર આવ્યું છે કે 20 ઓગસ્ટ 2023ની સાંજે કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન બે વિરોધી જૂથો વચ્ચે થયેલી આ ઝડપ અગાઉથી આયોજિત હતી. પોલીસ દ્વારા મેળવવામાં આવેલા વીડિયો ફૂટેજમાં બુટા સિંહ વિરોધી જૂથના સભ્યોનો પીછો કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, પોલીસ તપાસ દરમિયાન બુટા સિંહની કારની ડિક્કીમાંથી બે ધારદાર હથિયારો મળી આવ્યા હતા, જ્યારે અન્ય બે આરોપીઓ દમનજીત અને રાજવિંદર પણ દંગા દરમિયાન મોટા ચાકુ સાથે ફૂટેજમાં કેદ થયા હતા.
ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર મેટ ક્રૂમે જણાવ્યું હતું કે, જે દિવસ રમતગમત માણવાનો હતો તે હિંસા અને ઈજાના દિવસમાં ફેરવાઈ ગયો હતો. પોલીસના મતેઆ હિંસક ઘટના માટેનું જૂથ ડર્બીની બ્રુન્સવિક સ્ટ્રીટ પર અગાઉથી જ એકઠું થયું હતું. આ હિંસક અરાજકતાની સ્થાનિક લોકો અને મેચ જોવા આવેલા દર્શકો પર ખૂબ જ માઠી અસર પડી હતી.
