Sudan Drone Attack Nyala: સુદાનમાં આંતરિક વિગ્રહ અને ગૃહયુદ્ધ દિવસને દિવસે વધુ ભયાનક અને હિંસક રૂપ ધારણ કરી રહ્યું છે. સોમવારે સાંજે દક્ષિણ દારફુર પ્રદેશના ન્યાલા શહેરમાં આવેલા એક અત્યંત વ્યસ્ત અને ભીડભાડવાળા બજાર પર અચાનક થયેલા ઘાતક ડ્રોન હુમલામાં 112 જેટલા નિર્દોષ નાગરિકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ભયાનક હુમલામાં 150થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલો સાંપડ્યા છે.
ટાન્કોંગ માર્કેટમાં સર્જાયા ચીસિયારીના દ્રશ્યો
'ધ એસોસિએટેડ પ્રેસ' (AP) અને 'રેડિયો તમાઝુજ'ના અહેવાલો અનુસાર, સુદાનમાં હિંસા પર નજર રાખતી માનવાધિકાર સંસ્થા 'ઇમરજન્સી લોયર્સ' (Emergency Lawyers) એ મંગળવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ હુમલો ન્યાલાના દુમાયા વિસ્તારમાં આવેલા 'ટાન્કોંગ માર્કેટ' (Tankong market) ખાતે થયો હતો. 'દારફુર વિક્ટિમ્સ ઓર્ગેનાઈઝેશન'ના ડિરેક્ટર એડમ મુસા ઓબામાના જણાવ્યા અનુસાર, જ્યારે સ્થાનિક નાગરિકો બજારમાં ખરીદી કરી રહ્યા હતા અને નાસ્તો કરી રહ્યા હતા ત્યારે જ ઓચિંતો ડ્રોન હુમલો થયો હતો. મૃતકોમાં 12 મહિલાઓ અને 6 બાળકોનો પણ સમાવેશ થાય છે.
હોસ્પિટલોમાં ઈમરજન્સી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ
આંતરરાષ્ટ્રીય રાહત સંસ્થા 'ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ' (MSF) એ જણાવ્યું કે ન્યાલામાં તેમની હોસ્પિટલમાં 36 મૃતદેહો લાવવામાં આવ્યા હતા, જ્યારે 150થી વધુ ઘાયલ દર્દીઓની ઈમરજન્સી રૂમમાં તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે. ન્યાલા શહેર હાલમાં 'રેપિડ સપોર્ટ ફોર્સીસ' (RSF) નામના અર્ધલશ્કરી જૂથના નિયંત્રણ હેઠળ છે. RSF એ આ નરસંહાર અને હુમલા માટે સુદાની સેનાને (SAF) સરકારી દળોને જવાબદાર ઠેરવી છે અને ઘટનાની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે.
ડ્રોન યુદ્ધથી નાગરિકોના જીવ જોખમમાં
સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષમાં સુદાની સશસ્ત્ર દળો (SAF) અને 'રેપિડ સપોર્ટ ફોર્સીસ' (RSF) બંને જૂથો વિસ્ફોટકોથી સજ્જ આધુનિક ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે, જેનો ભોગ આમને-સામને નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે પણ વિવાદિત અબ્યેઈ (Abyei) પ્રદેશના એક બજાર પર થયેલા આવા જ ડ્રોન હુમલામાં 150થી વધુ લોકોના મોત થયા હતા.
