અમેરિકી મિડટર્મ ચૂંટણી બાદ વાશિંગ્ટનમાં ફેરબદલની અટકળો, ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરને મળી શકે છે મોટી જવાબદારી

અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં નુકસાન બાદ વાશિંગ્ટનમાં ફેરબદલની ચર્ચા. ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરને વ્હાઇટ હાઉસ કે સેક્રેટરી ઓફ સ્ટેટનું મોટું પદ મળવાની અટકળો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 05 Nov 2026 05:54 PM (IST)Updated: Thu, 05 Nov 2026 05:54 PM (IST)
sergio-gor-us-ambassador-to-india-eyed-for-trump-cabinet-role

US Midterm Election Results 2026: અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ધારણા કરતા નબળા પ્રદર્શન બાદ હવે વોશિંગ્ટન અને વ્હાઇટ હાઉસના રાજકીય વર્તુળોમાં મોટી હલચલ જોવા મળી રહી છે. ચૂંટણી પરિણામો બાદ પ્રશાસન પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે તૈયારી કરી રહ્યું છે, જે દરમિયાન પાર્ટી અને કેબિનેટના શીર્ષ નેતૃત્વમાં મોટા ફેરબદલ અંગેની અટકળો વહેતી થઈ છે.

આ તમામ ચર્ચાઓ વચ્ચે સૌથી મહત્વનું નામ ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોર (Sergio Gor)નું સામે આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દ્વિતીય કાર્યકાળના બાકીના સમયગાળા માટે ગોરને વ્હાઇટ હાઉસમાં અથવા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં કોઈ અત્યંત મહત્વપૂર્ણ અને જવાબદાર પદ સોંપવામાં આવી શકે છે.

સર્જિયો ગોર રેસમાં આગળ: કયા પદો માટે ચાલી રહી છે ચર્ચા?

વાશિંગ્ટન સનના એક વિસ્તૃત અહેવાલ મુજબ, પ્રશાસનની અંદરની બાબતોથી વાકેફ 10 જેટલા વરિષ્ઠ અધિકારીઓએ સંકેત આપ્યો છે કે સર્જિયો ગોરને ટ્રમ્પ કેબિનેટમાં પ્રમોશન મળી શકે છે. ગોર ભૂતકાળમાં પણ વ્હાઇટ હાઉસમાં વરિષ્ઠ પદ પર સેવા આપી ચૂક્યા છે અને ટ્રમ્પ પરિવારના અત્યંત વિશ્વસનીય અને નજીકના સહયોગી માનવામાં આવે છે.

હાલમાં રાજકીય વર્તુળોમાં જે પદો માટે સર્જિયો ગોરનું નામ ચર્ચામાં છે તેમાં-

  • વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ: સુસી વાઇલ્સ (Susie Wiles)ની જગ્યાએ.
  • સેક્રેટરી ઓફ સ્ટેટ (વિદેશ મંત્રી): માર્કો રુબિયો (Marco Rubio)ની જગ્યાએ.
  • ડિપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ: ક્રિસ લેન્ડૌ (Chris Landau)ની જગ્યાએ.

અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પણ એ વાતની ચર્ચા છે કે ગોર ઉચ્ચ પદ માટે ઈચ્છુક છે. તાજેતરના સમયમાં તેઓ ભારતમાં યુએસ રાજદૂતની પોતાની મૂળભૂત જવાબદારીઓ ઉપરાંત કેટલીક ઉચ્ચ-સ્તરીય વૈશ્વિક અને રાજનાયિક બેઠકોમાં સક્રિય જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે તેમનો પ્રભાવ તેમના ક્ષેત્ર પુરતો સીમિત નથી.

અટકળો વેગ પકડવા પાછળના મુખ્ય કારણો

વાશિંગ્ટનના રાજકીય વિશ્લેષકોના મતે આ અટકળો પાછળ કેટલાંક ચોક્કસ રાજકીય કારણો જવાબદાર છે-

માર્કો રુબિયોની ભવિષ્યની યોજનાઓ: પ્રશાસનમાં એવી ચર્ચા છે કે વિદેશ મંત્રી માર્કો રુબિયો 2028 અથવા 2032ની રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારીઓ માટે સમય જતાં કેબિનેટ છોડી શકે છે.

ટ્રમ્પ સાથે ખાસ સબંધો: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સર્જિયો ગોરને વ્યક્તિગત રીતે ખૂબ પસંદ કરે છે. જ્યારે ટ્રમ્પ સત્તામાં નહોતા, ત્યારે ગોરે તેમના કેટલાક મહત્વપૂર્ણ વ્યવસાયિક સોદાઓ સફળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર સાથે નિકટતા: ગોર રાષ્ટ્રપતિના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના પણ અત્યંત નજીકના મિત્ર માનવામાં આવે છે, જે વ્હાઇટ હાઉસમાં નિર્ણયો લેતી વખતે મહત્વની ભૂમિકા ભજવે છે.

સત્તાવાર રીતે દાવા ફગાવી દેવાયા

જોકે, આ તમામ ચર્ચાઓ અને અહેવાલો વચ્ચે સર્જિયો ગોર, અમેરિકી વિદેશ વિભાગ (State Department) અને વ્હાઇટ હાઉસ – ત્રણેય તરફથી આ અટકળોનું ખંડન કરવામાં આવ્યું છે.

સર્જિયો ગોરે આ અહેવાલોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવતા કહ્યું હતું કે- મને કોઈ અન્ય પદ કે ભૂમિકામાં રસ નથી અને મેં આ અંગે કોઈની પણ સાથે વાત કરી નથી. તેમણે માર્કો રુબિયોને અત્યાર સુધીના સૌથી યોગ્ય વિદેશ મંત્રી અને પોતાના નજીકના મિત્ર ગણાવ્યા હતા.

તો વ્હાઇટ હાઉસે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે- ગ્લોબલ પબ્લિક અફેર્સના આસિસ્ટન્ટ સેક્રેટરી ડાયલન જાનસન અને વ્હાઇટ હાઉસના અધિકારીઓએ આ અહેવાલને અનામી સૂત્રો પર આધારિત ગણાવી ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે રુબિયો અને વાઇલ્સ પોતપોતાના પદ પર ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે.

સર્જિયો ગોરનો વધતો દબદબો અને ભારત માટે મહત્ત્વ

અધિકારીઓ ભલે ગમે તેટલું ખંડન કરે, પરંતુ નવી દિલ્હીથી લઈને વાશિંગ્ટન સુધી સર્જિયો ગોરનું કદ સતત વધી રહ્યું છે. સર્જિયો ગોર અગાઉ વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ પ્રેસિડેન્શિયલ પર્સનલમાં સિનિયર પદ પર રહી ચૂક્યા છે, જ્યાં તેઓ વરિષ્ઠ સરકારી નિયુક્તિઓ અને અધિકારીઓની તપાસ (Vetting) માટે જવાબદાર હતા.

નવેમ્બર 2025માં નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસનો પ્રભારી સંભાળ્યા બાદ તેમણે ભારતમાં યુએસ વિદેશ મંત્રી માર્કો રુબિયો, વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક અને સેના સચિવ ડેન ડ્રિસ્કોલ જેવા ઉચ્ચ-સ્તરીય નેતાઓના પ્રવાસો સફળતાપૂર્વક યોજ્યા છે.

તેઓ માત્ર ભારતમાં રાજદૂત નથી, પરંતુ દક્ષિણ અને મધ્ય એશિયા માટેના 'સ્પેશિયલ એન્વોય' પણ છે. પૂર્વ સોવિયેત સંઘના ઉઝબેકિસ્તાનમાં જન્મેલા ગોરે પોતાની પૃષ્ઠભૂમિનો ઉપયોગ કરીને મધ્ય એશિયાના દેશો સાથે અમેરિકાના સંબંધો મજબૂત કર્યા છે. હાલમાં જ તેમણે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની બેઠકોમાં ભાગ લીધો હતો અને એટલાન્ટામાં G20 શિખર સંમેલનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભલે સત્તાવાર રીતે આ બાબતે ઇનકાર કરવામાં આવી રહ્યો હોય, પરંતુ અમેરિકી રાજનીતિના ગલિયારામાં સર્જિયો ગોરની વધતી નિકટતા અને પ્રભાવને કારણે ભવિષ્યમાં મોટા ફેરબદલની શક્યતાઓને નકારી શકાતી નથી.