કોરોના પછી હવે કયો નવો ખતરો? રશિયન લેબમાં અજ્ઞાત વાયરસથી સંશોધકનું મોત, વુહાન જેવી સ્થિતિ સર્જાઇ

શંકાસ્પદ ચેપ અન્ય લોકોમાં ન ફેલાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં મૃતક મહિલાને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાંના તબીબી સ્ટાફ અને દર્દીઓ સહિત લગભગ 200 જેટલા લોકોને તબીબી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 05 Oct 2026 10:04 AM (IST)Updated: Mon, 05 Oct 2026 10:04 AM (IST)
russia-siberia-lab-accident-unknown-pneumonia-plague-infection-researcher-death
વાયરસ

Russia Unknown Infection: વિશ્વ હજુ સુધી 2021ની કોરોના મહામારીની તબાહીમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શક્યું નથી, ત્યાં રશિયાના સાઇબિરીયા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રશિયાના ઈરકુત્સ્ક નજીક આવેલા શેલેખોવ સ્થિત એક પ્રતિષ્ઠિત 'એન્ટી-પ્લેગ રિસર્ચ ફેસિલિટી' માં થયેલી દુર્ઘટના બાદ અજ્ઞાત મૂળ ધરાવતા વાયરસને કારણે 28 વર્ષીય મહિલા સંશોધકનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને અજ્ઞાત બીમારીના ફેલાવાની આશંકાએ વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રયોગશાળામાં દુર્ઘટના અને અજ્ઞાત ન્યુમોનિયાથી મોત

રશિયાની સરકારી સમાચાર એજન્સી TASS અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગંભીર ઘટના શેલેખોવના 'એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'માં બની હતી. લેબમાં કામ કરતી 28 વર્ષીય મહિલા કર્મચારીને અચાનક અજ્ઞાત લક્ષણો ધરાવતો ન્યુમોનિયા થયો હતો. તબીબોના જણાવ્યા મુજબ, આ ન્યુમોનિયાના પ્રકાર અને તેના ચેપના ચોક્કસ સ્ત્રોતની ઓળખ થઈ શકી નહોતી. સારવાર દરમિયાન જ મહિલા સંશોધકનું મોત નીપજતાં રશિયાની રોગચાળા નિયંત્રણ એજન્સી 'રોસ્પોટ્રેબનાડઝોર' એ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

200થી વધુ લોકો તબીબી દેખરેખ હેઠળ, હોસ્પિટલોમાં ક્વોરેન્ટાઇન

શંકાસ્પદ ચેપ અન્ય લોકોમાં ન ફેલાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં મૃતક મહિલાને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાંના તબીબી સ્ટાફ અને દર્દીઓ સહિત લગભગ 200 જેટલા લોકોને તબીબી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે શહેરની એક સ્થાનિક પ્રસૂતિ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન સેન્ટર ઊભું કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. ઈરકુત્સ્ક એલ્યુમિનિયમ પ્લાન્ટે પણ પોતાના કર્મચારીઓને ફેસ માસ્ક પહેરવાની કડક સૂચના આપી છે અને દર્દીના સીધા સંપર્કમાં આવેલા લોકોનું સતત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

શું આ 'ન્યુમોનિક પ્લેગ' છે? નિષ્ણાતોમાં અટકળો

ઘટના બાદથી એવી પ્રબળ અટકળો વહેતી થઈ છે કે આ જીવલેણ બીમારી 'ન્યુમોનિક પ્લેગ' (Pneumonic Plague) હોઈ શકે છે. ન્યુમોનિક પ્લેગ એ ફેફસાંને અસર કરતો પ્લેગનો સૌથી ગંભીર અને ઝડપથી ફેલાતો પ્રકાર છે, જે દર્દીના શ્વાસ અને ઉધરસના ડ્રોપલેટ્સ દ્વારા અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે.

જોકે, રશિયન આરોગ્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે હાલમાં આસપાસના વિસ્તારમાં પ્લેગનો કોઈ વ્યાપક આઉટબ્રેક નથી અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, જો પ્લેગનું વહેલું નિદાન થાય તો ચોક્કસ એન્ટિબાયોટિક્સ દ્વારા તેનો ઈલાજ શક્ય છે. છતાં, લેબ દુર્ઘટના અને અજ્ઞાત વાયરસના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે.