સઉદી અરેબિયામાં હૂતીના હુમલા બાદ મોટો નિર્ણય, દિલ્હીથી રિયાધ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ પરત ફરી, 10 ઓક્ટોબર સુધી ફ્લાઇટ્સ રદ

સઉદી અરેબિયામાં હૂતીના હુમલા અને વિસ્ફોટોને કારણે દિલ્હીથી રિયાધ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અધવચ્ચેથી પાછી ફરી છે. એરલાઈન્સે 10 ઓક્ટોબર સુધી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 08 Oct 2026 11:56 PM (IST)Updated: Thu, 08 Oct 2026 11:56 PM (IST)
riyadh-flights-suspended-air-india-recalls-flight-amid-houthi-attacks

Riyadh Flights Suspended: મધ્ય પૂર્વ (Middle East)માં વધતા તણાવ અને સાઉદી અરેબિયામાં થયેલા હુમલાઓની સીધી અસર હવે હવાઈ યાત્રા પર પણ જોવા મળી રહી છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ એરપોર્ટ પર હૂતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અને વિસ્ફોટો બાદ સુરક્ષા કારણોસર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હીથી રિયાધ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI2243)ને રસ્તામાં જ સુરક્ષા કારણોસર પાછી બોલાવી લેવામાં આવી છે અને આ વિમાન ફરી દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ચૂક્યું છે.

10 ઓક્ટોબર સુધી તમામ ફ્લાઇટ્સ સ્થગિત

સાઉદી અરેબિયાના એરપોર્ટ્સ પર થયેલા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ એર ઈન્ડિયા (Air India) અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. એરલાઈન્સના અધિકારીઓએ જણાવ્યું છે કે સાવચેતીના ભાગરૂપે રિયાધ આવતી-જતી તમામ ઉડાનોને 10 ઓક્ટોબર સુધી સ્થગિત (સસ્પેન્ડ) કરી દેવામાં આવી છે. જે મુસાફરોની ટિકિટો બુક હતી તેમને પૂરેપૂરી રકમ (Full Refund) પરત કરવામાં આવશે.

ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી

વૈશ્વિક સ્તરે બગડતી સ્થિતિ અને સુરક્ષાના જોખમને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયામાં સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા પણ નાગરિકો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીયોને સતર્ક રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને સ્થાનિક અધિકારીઓની ગાઈડલાઈન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિ માટે એમ્બેસી દ્વારા હેલ્પલાઈન નંબરો પણ કાર્યરત કરવામાં આવ્યા છે.