Bangladesh Hindu Murder: બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાના બનાવો થમવાનું નામ નથી લેતા. યુનુસ પ્રશાસનના નાક નીચે જ વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ ઘટના મયમનસિંહ જિલ્લામાં બની હતી. જિલ્લાના રહેવાસી બ્રિજેન્દ્ર બિશ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
બ્રિજેન્દ્ર બિશ્વાસ બાંગ્લાદેશના ગ્રામીણ અર્ધલશ્કરી દળનો સભ્ય હતો. થોડા દિવસો પહેલા મયમનસિંહ જિલ્લામાં જ દીપુ ચંદ્ર દાસ નામના એક હિન્દુ યુવકને ઢોર માર મારીને અધમૂઓ કરી નાખ્યો હતો જે બાદ તેને ઝાડ સાથે બાંધીને જીવતો જ સળગાવી દેવાયો હતો.
ફેક્ટરીની સિક્યોરિટીમાં તૈનાત હતો બ્રિજેન્દ્ર
બાંગ્લાદેશી મીડિયા અનુસાર ભાલુક સબડિસ્ટ્રિક્ટના મેહરાબારી વિસ્તારમાં સુલ્તાના સ્વેટર્સ લિમિટેડ ફેક્ટરી આવેલી છે. ફેક્ટરીની સુરક્ષા માટે 20 અંસાર સભ્યો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમાં બ્રિજેન્દ્ર બિશ્વાસ પણ સામેલ હતો. સોમવારે સાંજે લગભગ 6:30 વાગ્યે, બ્રિજેન્દ્ર બિશ્વાસ તેના સાથીદાર નોમાન મિયાં સાથે બેઠો હતો ત્યારે નોમાને તેની બંદૂકથી તેના પર ફાયરિંગ કરી દીધું.
ગોળી સીધી બ્રિજેન્દ્રના ડાબા જાંઘમાં વાગી. તેને ખૂબ લોહી વહેતું હોવાથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. લબીબ ગ્રુપના ઇન્ચાર્જ અંસાર સભ્ય એપીસી મોહમ્મદ અઝહર અલીએ જણાવ્યું હતું કે ઘટના સમયે બંને વચ્ચે કોઈ વિવાદ નહોતો.
તેણે કહ્યું કે બધા રૂમમાં બેઠા હતા. અચાનક, નોમાને બ્રિજેન્દ્રની જાંઘ પર તેની શોટગન તાકી અને બૂમ પાડી- હું તને ગોળી મારીશ. ત્યારબાદ તેને સીધું જ ટ્રિગર દબાવી દીધું અને બાદમાં તે ત્યાં ભાગી ગયો. જો કે બાદમાં પોલીસે આરોપી નોમાનની ધરપકડ કરી છે.
પાંચ દિવસમાં સાત હિન્દુઓના ઘરને આગ ચાંપી દેવાઈ
ચટ્ટાગોંગના રૌજાન વિસ્તારમાં પાંચ દિવસમાં સાત હિન્દુ પરિવારોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી. પોલીસે અત્યાર સુધીમાં પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી છે. રૌજાન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સાજેદુલ ઇસ્લામે જણાવ્યું હતું કે અન્ય આરોપીઓની શોધ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ વર્ષે હિંસામાં 184 લોકોના મોત
હિંસા અને આગચંપીની આ ઘટનાઓએ બાંગ્લાદેશમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. 12 ડિસેમ્બરે, ઇન્કલાબ મંચના નેતા શરીફ ઉસ્માન હાદીને ઢાકામાં ગોળી મારી દેવામાં આવી હતી. તેમનું સિંગાપોરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તે જ સાંજે, એક ટોળાએ ડેઇલી સ્ટાર અને પ્રથમ આલોના કાર્યાલયોને આગ ચાંપી દીધી હતી. લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંગઠન છાયાનત અને ઉદીચી શિલ્પી ગોષ્ઠીના કાર્યાલયોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.
યુનુસના કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આરોપો કે અફવાઓના બહાને હિંસાને મંજૂરી આપી શકાય નહીં. દરમિયાન, માનવાધિકાર સંગઠન આઈનો ઓ સલીશ કેન્દ્રે અહેવાલ આપ્યો છે કે 2025માં બાંગ્લાદેશમાં હિંસામાં અત્યાર સુધીમાં 184 લોકો મૃત્યુ પામ્યા છે.
