PM Modi Birthday at Times Square: દુનિયાના સૌથી વ્યસ્ત અને લોકપ્રિય ચોક ગણાતા ન્યૂયોર્કના 'ટાઈમ્સ સ્ક્વેર' પર હાલમાં જ એક અનોખો નજારો જોવા મળ્યો હતો. અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય (Indian Diaspora) દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે ખૂબ જ ખાસ અંદાજમાં શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ટાઈમ્સ સ્ક્વેરના વિશાળ બિલબોર્ડ પર પીએમ મોદીને જન્મદિવસની વધાઈ આપતો મેસેજ ડિસ્પ્લે થતાં જ ત્યાંથી પસાર થતા હજારો લોકોનું ધ્યાન તેના પર ખેંચાયું હતું.
અનોખી પહેલ પાછળ કઈ સંસ્થાઓ છે સામેલ?
આ ભવ્ય આયોજન પાછળ અમેરિકાની અગ્રણી ભારતીય-અમેરિકન સામાજિક સંસ્થાઓનો સહયોગ રહેલો છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન્સ (FIA NY-NJ-CT-NE), જયપુર ફૂટ યુએસએ (Jaipur Foot USA), ધ ડાયાસ્પોરા બાય-વીકલી, GANA (ગુજરાતી એસોસિએશન્સ ઓફ નોર્થ અમેરિકા), FISANA, વડતાલ ધામ (એન.જે.) અને BAJANA (બિહાર ઝારખંડ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા) સહિતની અનેક સંસ્થાઓએ એક થઈને આ ઉત્સવને યાદગાર બનાવ્યો હતો.
સમુદાયમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ
ટાઈમ્સ સ્ક્વેર પર ઝળકેલા આ વિશેષ મેસેજ દ્વારા પ્રવાસી ભારતીયોએ પીએમ મોદી પ્રત્યેનો તેમનો ઊંડો આદર અને સ્નેહ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ માત્ર એક બિલબોર્ડ પરની શુભેચ્છા નથી, પરંતુ વિદેશની ધરતી પર વસતા ભારતીયોની એકતા, ગર્વ અને વડાપ્રધાનના નેતૃત્વ પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રતીક છે.
રાષ્ટ્રસેવા માટે પાઠવવામાં આવી શુભકામનાઓ
આ ખાસ અવસરે તમામ સહભાગી સંસ્થાઓ અને સમુદાયના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને દેશની સેવામાં તેમને સતત સફળતા મળે તે માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાત સમુદ્ર પાર બેઠેલા ભારતીયોમાં પોતાના વડાપ્રધાન પ્રત્યેનો આ પ્રેમ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને દેશ-વિદેશમાં વસતા લોકો આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે.
