PM Modi Oman Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ઓમાન મુલાકાત દરમિયાન તેમના કાનમાં એક ખાસ ગેજેટ જોવા મળ્યું હતું, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સ્વાગત સમારોહ અને ઉચ્ચ સ્તરીય બેઠકો દરમિયાન પીએમ મોદીના ડાબા કાનમાં આ નાનું ઉપકરણ જોવામાં આવ્યું હતું, જેના પછી સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થવા લાગી હતી. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો હતો કે આ કયું ગેજેટ છે અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવી રહ્યો છે.
આ કયું ગેજેટ છે અને શું છે તેની વિશેષતા?
પીએમ મોદીના કાનમાં દેખાતું આ ઉપકરણ કોઈ સામાન્ય ઈયરફોન કે ફેશન એક્સેસરી નથી, પરંતુ તે એક એડવાન્સ રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન ડિવાઇસ છે. આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય અને રાજદ્વારી બેઠકોમાં થાય છે, જ્યાં અલગ-અલગ ભાષાઓ બોલતા નેતાઓ સામસામે વાતચીત કરતા હોય છે.
આ ડિવાઇસ સામેની વ્યક્તિની વાત સાંભળીને તેને તરત જ બીજી ભાષામાં અનુવાદિત કરીને સંભળાવે છે, જેનાથી વાતચીત કરવી ઘણી સરળ બની જાય છે. આ ટેકનોલોજી એક અદ્રશ્ય દુભાષિયા જેવું કામ કરે છે, જે બે અલગ ભાષા બોલતી વ્યક્તિઓ વચ્ચેના ભાષાકીય અવરોધને દૂર કરીને સંવાદને સરળ બનાવે છે.
આ પણ વાંચો
ઓમાનમાં શા માટે આ ડિવાઇસની જરૂર પડી?
ઓમાનની સત્તાવાર ભાષા અરબી છે, જ્યારે ભારત તરફથી વાતચીત હિન્દી કે અંગ્રેજીમાં કરવામાં આવતી હોય છે. જ્યારે પીએમ મોદી ઓમાનના ડેપ્યુટી વડાપ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સૈદને મળી રહ્યા હતા, ત્યારે આ ડિવાઇસ તેમના કાનમાં સૌથી પહેલા જોવા મળ્યું હતું. તેનો મુખ્ય હેતુ બંને નેતાઓ વચ્ચેની વાતચીતને સહજ, સ્પષ્ટ અને અસરકારક બનાવવાનો હતો.
સામાન્ય ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ
આજના સમયમાં આવી ટેકનોલોજી માત્ર સરકારો પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાન્ય વપરાશકર્તાઓ માટે પણ લાઈવ ટ્રાન્સલેશનની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. ઉદાહરણ તરીકે એપલના AirPods માં પણ હવે લાઈવ ટ્રાન્સલેશન જેવી સુવિધા મળે છે. આ સિવાય ઓપ્પો, સેમસંગ અને વનપ્લસ જેવી બ્રાન્ડ્સના ઈયરબડ્સમાં પણ આ પ્રકારની સુવિધા જોવા મળે છે. જોકે રાજદ્વારી બેઠકોમાં વપરાતા વ્યાવસાયિક ઉપકરણો વધુ સુરક્ષિત અને ચોક્કસ પરિણામો આપે છે.
