ફિલિપાઈન્સમાં એરફોર્સના 2 વિમાન હવામાં અથડાયા, 4 પાઇલટના મોત; SF-260 વિમાનો કર્યા ગ્રાઉન્ડેડ

ફિલિપાઈન્સ એરફોર્સના 2 SF-260 ટ્રેનર વિમાન તાલીમ ઉડાન દરમિયાન એકબીજા સાથે અથડાઈ ગયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 24 Oct 2026 02:43 PM (IST)Updated: Sat, 24 Oct 2026 02:43 PM (IST)
philippines-air-force-sf-260-mid-air-collision-four-pilots-killed

Philippines Air Force Plane Crash: ફિલિપાઈન્સની રાજધાની મનીલાના દક્ષિણમાં આવેલા બટાંગસ પ્રાંત સ્થિત ફર્નાન્ડો એર બેઝ પર શુક્રવારના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ફિલિપાઈન્સ એરફોર્સ (PAF) ના 2 SF-260 ટ્રેનર વિમાન નિયમિત તાલીમ ઉડાન દરમિયાન હવામાં જ એકબીજા સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થયા હતા.

ફિલિપાઈન્સ સેનાએ શનિવારે આપેલા સત્તાવાર નિવેદન મુજબ, આ ભયાનક અકસ્માતમાં 4 લશ્કરી પાઈલટોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ઉડાન ભરતી વખતે બંને વિમાન હવામાં અથડાયા બાદ એર બેઝ પરિસરની અંદર જ તૂટી પડ્યા હતા. જેના કારણે જમીન પર રહેલા અન્ય કોઈ વ્યક્તિ કે મિલકતને નુકસાન પહોંચ્યું નહોતું.

આ દુર્ઘટના બાદ ફિલિપાઇન્સ એરફોર્સે તાત્કાલિક અસરથી પોતાના તમામ SF-260 તાલીમી વિમાનોના ઉડાનો પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે. એરફોર્સના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, અકસ્માતના ચોક્કસ કારણોની ઊંડાણપૂર્વક તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મોડેલના કોઈપણ વિમાન ઉડાન ભરશે નહીં.

નોંધનીય છે કે, SF-260 મોડેલના વિમાનો સાથે અગાઉ પણ અકસ્માતોસર્જાઈ ચૂક્યા છે. આ અગાઉ મે મહિનામાં ઉત્તર ફિલિપાઈન્સના પહાડી વિસ્તારમાં SF-260 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 2 પાઇલટના મોત થયા હતા. જ્યારે વર્ષ 2023 માં પણ તાલીમ ઉડાન દરમિયાન SF-260 TP માર્ચેટી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં 2 પાઇલટે જીવ ગુમાવ્યો હતો.

SF-260 મોડેલના વિમાન માત્ર નવશિક્ષિત પાઈલટની મૂળભૂત તાલીમ માટે જ નહીં, પરંતુ લશ્કરી યુદ્ધ અભિયાનોમાં પણ ઉપયોગમાં લેવાતા રહ્યા છે. વર્ષ 2017 માં જ્યારે ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા આતંકવાદીઓએ ફિલિપાઇન્સના દક્ષિણી શહેર મરાવી પર કબ્જો કરી લીધો હતો. ત્યારે ચાલેલા સૈન્ય અભિયાન અને હવાઈ હુમલામાં ફિલિપાઇન્સ સેનાએ આ SF-260 વિમાનોનો સક્રિયપણે ઉપયોગ કર્યો હતો.