પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાની મસ્જિદ પાસે ભયાનક વિસ્ફોટ: 15 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

પ્રારંભિક અહેવાલો મુજબ, વિસ્ફોટકોથી ભરેલું એક વાહન સિક્યોરિટી ઝોન ગણાતા ઓલ્ડ પોલીસ લાઇન્સ વિસ્તારમાં ઘુસાડવામાં આવ્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 18 Sep 2026 03:49 PM (IST)Updated: Fri, 18 Sep 2026 03:49 PM (IST)
pakistan-khyber-pakhtunkhwa-kohat-mosque-blast-many-killed-many-injured
પાકિસ્તાન ખૈબર પખ્તુનખ્વા બ્લાસ્ટ

Pakistan Khyber Pakhtunkhwa Blast: પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં શુક્રવારે એક હૃદયકંપાવનારી ત્રાસવાદી ઘટના સામે આવી છે. 'ઓલ્ડ પોલીસ લાઇન્સ' વિસ્તારમાં આવેલી એક મસ્જિદ નજીક શુક્રવારની નમાઝ દરમિયાન થયેલા એક શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.

શુક્રવારની નમાઝ સમયે જ થયો હુમલો

મળતી વિગતો અનુસાર, શુક્રવારની બપોરની નમાઝ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પોલીસ કર્મચારીઓ મસ્જિદમાં એકઠા થયા હતા ત્યારે જ આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે મસ્જિદનો બહારનો ભાગ અને દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે મસ્જિદના મુખ્ય દરવાજા પાસે એક મોટો ખાડો પડી ગયો હતો. હુમલામાં મસ્જિદની બહાર તૈનાત અને અંદર નમાઝ અદા કરી રહેલા અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ

ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ 1122 ની ટીમો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર (DHQ) હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ તાહિર અલી શાહે જણાવ્યું હતું કે વિસ્ફોટ બાદ 15 મૃતદેહો અને 50થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોહાટની હોસ્પિટલમાં કટોકટી (ઇમરજન્સી) જાહેર કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર કોહાટ-હંગુ રોડને તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

ગોળીબાર અને તપાસ: વિસ્ફોટકોથી ભરેલું વાહન ઘુસાડાયું હોવાની શંકા

પ્રારંભિક અહેવાલો મુજબ, વિસ્ફોટકોથી ભરેલું એક વાહન સિક્યોરિટી ઝોન ગણાતા ઓલ્ડ પોલીસ લાઇન્સ વિસ્તારમાં ઘુસાડવામાં આવ્યું હતું. રેસ્ક્યુ પ્રવક્તા બિલાલ અહેમદ ફૈઝીના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે સશસ્ત્ર આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સામસામે ભારે ગોળીબાર પણ થયો હતો.

બીજી તરફ, ખૈબર પખ્તુનખ્વાના આઈજી હામિદે આ કાયરતાપૂર્ણ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું હતું કે, “કેપી પોલીસ આતંકવાદ સામે મજબૂત દીવાલ બનીને ઊભી છે. શહીદોનું બલિદાન એળે નહીં જાય અને આતંકવાદીઓ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવામાં આવશે.”