Imran Khan Rawalpindi News: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને તોશાખાના 2 ભ્રષ્ટાચારના કેસમાં જેલની સજા ફટકારવામાં આવ્યા બાદ તેમણે જેલમાંથી જ પોતાના સમર્થકોને રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાનું આહવાન કર્યું છે. ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને રાવલપિંડીની અડિયાલા જેલમાં સ્થિત એક વિશેષ અદાલત દ્વારા 17 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
રાવલપિંડીમાં હાઈ એલર્ટ
ઇમરાન ખાનના આહવાનને પગલે રાવલપિંડીમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે અને સમગ્ર શહેરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના કાર્યકર્તાઓ દ્વારા મોટા પાયે પ્રદર્શન કરવાની આશંકાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1300 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઇમરાન ખાનના આ એલાનથી પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની ચિંતામાં પણ વધારો થયો છે.
ઇમરાન ખાને વિરોધ પ્રદર્શનની કરી જાહેરાત
રવિવારે સવારે ઇમરાન ખાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં તેમણે પાર્ટીના નેતાઓને કોર્ટના નિર્ણય સામે વિરોધ આંદોલનની તૈયારી કરવા વિનંતી કરી છે. આ પોસ્ટ કોર્ટના ચુકાદા બાદ તરત જ સામે આવી હતી.
માત્ર PTI જ નહીં, પરંતુ દક્ષિણપંથી પક્ષ જમાત-એ-ઇસ્લામીએ પણ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તેમણે 'બ્લેક લોકલ ગવર્નમેન્ટ એક્ટ 2025' ના વિરોધમાં આ પ્રદર્શન બોલાવ્યું છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ વધારાના પોલીસ દળો તૈનાત કરવા પડ્યા છે.
