Imran Khan Verdict: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના એક મામલામાં કોર્ટે 17 વર્ષની સખત સજા ફટકારી છે. શનિવારે એક વિશેષ અદાલતે પીટીઆઈ (PTI) ના સ્થાપક ઈમરાન ખાન અને બુશરા બીબીને તોશાખાના 2 કેસમાં આ સજા સંભળાવી હતી. આ મામલો પાકિસ્તાનના રાજકારણમાં હાલમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે.
જાણો શું છે આરોપ
આ સમગ્ર વિવાદ વર્ષ 2021માં શરૂ થયો હતો જ્યારે સાઉદી ક્રાઉન પ્રિન્સ દ્વારા ઈમરાન ખાનને સત્તાવાર પ્રવાસ દરમિયાન એક અત્યંત કિંમતી બુલ્ગારી જ્વેલરી સેટ ભેટમાં આપવામાં આવ્યો હતો. આરોપ છે કે આ મોંઘા જ્વેલરી સેટને સરકારી તિજોરીમાંથી ખૂબ જ ઓછી કિંમતે ખરીદવામાં આવ્યો હતો, જે કાયદાકીય રીતે ભ્રષ્ટાચારનો મામલો ગણાય છે.
ઈમરાન ખાનને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 409 (ગુનાહિત વિશ્વાસઘાત) હેઠળ 10 વર્ષની સખત કેદ અને કલમ 5(2)47 (જાહેર સેવકો દ્વારા ગુનાહિત ગેરવર્તણૂક) હેઠળ 7 વર્ષની સજા આપવામાં આવી છે. તેવી જ રીતે તેમની પત્ની બુશરા બીબીને પણ આ જ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કુલ 17 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
હાઈકોર્ટમાં અપીલની તૈયારી
સજાની સાથે કોર્ટે બંને પર 16.4 મિલિયન રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પાકિસ્તાની કાયદા અનુસાર જો આ દંડની રકમ ભરવામાં નહીં આવે તો તેમને વધુ સમય જેલમાં વિતાવવો પડશે. બીજી તરફ ઈમરાન અને બુશરા બીબીની કાયદાકીય ટીમોએ આ ફેંસલાને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ નીચલી કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે.
