Pakistan Election: પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પોતાના પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (PML-N)ને સમર્થન આપવાનો વાયદો કર્યો છે. આ રીતે પાકિસ્તાનમાં નવી સરકારના ગઠનનો રસ્તો સાફ થઈ ગયો છે. બિલાવલ મંગળવારે વડાપ્રધાનની રેસમાંથી બહાર થઈ ગયો છે. તેણે કહ્યું કે- તેમની પાર્ટી નવાઝ શરીફના નેતૃત્વવાળા PML-N તરફથી પ્રસ્તાવિત કોઈ પણ ઉમેદવારનું સમર્થન કરશે. ભુટ્ટોએ કહ્યું કે- તેમની પાર્ટી કેબિનેટમાં સામેલ નહીં થાય.
બિલાવલ ભુટ્ટોએ મંગળવારે કહ્યું કે- જો આ ગૃહ વડાપ્રધાનને પસંદ કરવામાં નિષ્ફળ રહ્યું અને સરકાર ન બની તો ફરીથી ચૂંટણી કરાવવી પડશે. આવી સ્થિતિમાં રાજનીતિક સંકટ ઊભું થઈ જશે. તેણે કહ્યું કે- પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સરકારમાં મંત્રાલયોને સ્વીકાર નહીં કરે અને મુદ્દાના આધારે જ સરકારનું સમર્થન કરશે. પાકિસ્તાનમાં હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં PPP ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે.
PML-N અને PPP વચ્ચે ચર્ચા
પાકિસ્તાનની સંસદીય ચૂંટણીમાં ખંડિત જનાદેશ આવ્યો છે. જે બાદથી ગઠબંધન સરકાર બનાવવાના પ્રયાસ વધ્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ટોચના નેતઓએ 5 વર્ષના કાર્યકાળને વિભાજિત કરવા માટે સત્તા વહેંચણી માટે નવા ફોર્મૂલા પર ચર્ચા કરી છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ (PTI) સમર્થિક અપક્ષ ઉમેદવારોએ સંસદમાં સૌથી વધુ સીટ જીતી છે. તેમ છતાં પાકિસ્તાનની આગામી સરકારની તસવીરને લઈને સવાલ યથાવત છે. જો કે હવે બિલાવલ હટી જતા નવાઝ શરીફ માટે રસ્તો સાફ થઈ ગયો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
