international
Pakistan Crisis: કંગાળ પાકિસ્તાનનું હજુ અકડ વલણ, IMFની શરતો પર કહ્યું- ન્યૂક્લિયર પ્રોગ્રામ સાથે કોઈ સમજૂતી નહીં કરીએ
Pakistan Crisis: પાકિસ્તાન કંગાળ થઈ ગયું છે, પરંતુ તેનું અકડ વલણ હજુ યથાવત છે. પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે કહ્યું કે IMF દ્વારા અટકાવવામાં આવેલા પૈસાને મેળવવા માટે અમે અમારા પરમાણુ કાર્યક્રમ સાથે કોઈ જ સમજૂતી નહીં કરીએ.
પાકિસ્તાનમાં હાલ જોરદાર આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. તેમનું વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યું છે. મોંઘવારી આકાશને આંબી રહી છે. આ સંકટમાંથી બહાર નીકળવા માટે હવે પાકિસ્તાનની પાસે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMF પાસેથી મળનારી આર્થિક સહાય જ છે.
1.1 અબજ ડોલરની લોન માટે પાકિસ્તાન સરકાર અને IMF સાથે હજુ સુધી સહમતી નથી બની. IMFએ અનેક શરતો મૂકી છે. જેમાંથી એક પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલી શરત પણ છે. પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે ગમે તે થઈ જાય પણ પરમાણુ કાર્યક્રમ સાથે તેઓ કોઈ સમજૂતી નહીં કરે.
સેનેટર રજા રબ્બાનીના સવાલના જવાબમાં નાણા મંત્રી ઈશાક ડારે કહ્યું- હું તમને વિશ્વાસ અપાવું છું કે પાકિસ્તાન પોતાના પરમાણુ મિસાઈલ કાર્યક્રમ સાથે કોઈ જ સમજૂતી નથી કરવા જઈ રહ્યું.
પરમાણુ કાર્યક્રમ સાથે કોઈ સમજૂતી નહીં થાય
નાણા મંત્રીએ લોન ન મળવા રોદણાં રોતાં IMF પર જ જવાબદારી ઢોળી દીધી. ડારે કહ્યું કે IMFની સાથે સમજૂતી થવામાં મોડું થવાનું કારણ પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ પણ હોય શકે છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા પર કોઈ સમજૂતી નહીં કરવામાં આવે અને IMFની સાથે જે પણ સમજૂતી થશે, તેને વેબસાઈટ પર અપલોડ કરાશે.
સીનેટર રજા રબ્બાનીએ સેનેટને સંબોધિત કરતા કહ્યું હતું કે, ક્યાંય સમજૂતીમાં એટલા માટે તો મોડું નથી થઈ રહ્યું કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ પર દબાણ ઊભું કરી શકાય. તેમણે સવાલ ઉઠાવ્યા કે IMFની સાથે સમજૂતીને લઈને સરકારે ન તો પહેલા અને તો આજે વિશ્વાસમાં લીધા છે. જેના જવાબમાં ડારે કહ્યું- કોઈએ એ જણાવવાની જરૂર નથી કે પાકિસ્તાનની પાસે કેટલી રેન્જની મિસાઈલ હોવી જોઈએ અને કયા કયા પરમાણુ હથિયાર હોય શકે છે. અમે પાકિસ્તાનની આવામ (જનતા)નું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને આપણે આપણાં રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવી જોઈએ.
IMFમાંથી યોગ્ય સમયે લોન ન મળી તેના માટે ઈમરાન જવાબદાર
વડાપ્રધાન શહબાઝ શરીફની ઓફિસમાંથી જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે- પાકિસ્તાનના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ દેશની સંપત્તિ છે. આપણા પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે સેફ, ફુલપ્રુફની સાથે સાથે કોઈ પણ તણાવ કે દબાણમાં નથી.
ડારે IMFમાંથી મળનારી લોનમાં મોડું થવા માટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જવાબદાર ગણાવ્યા. ડારે આરોપ લગાવ્યો કે ઈમરાન ખાને IMFમાંથી ફંડિંગ મેળવવા માટે કઠિન શરતો માની લીધી હતી.
ઓગસ્ટ, 2018માં જ્યારે ઈમરાન ખાન સત્તામાં આવ્યા હતા ત્યારે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. આ કારણે તેમની સરકારે IMFની સાથે 6.5 અબજ ડોલરની લોન માટે સમજૂતી કરી હતી. હાલ જે 1.1 અબજ ડોલર લોનની વાત થઈ રહી છે તે આ દેવાની જ બાકી રહેલી રકમ છે. પાકિસ્તાન માટે આ લોન એટલા માટે જરૂરી છે કે કેમકે તેમના પર ઘણું દેવું છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન મુજબ ડિસેમ્બર, 2022 સુધી દેશ પર 63.86 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયાનું દેવું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.