North Korea Missile Test: ઉત્તર કોરિયાએ તાજેતરમાં બે લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે, જેના કારણે કોરિયન દ્વીપકલ્પમાં તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. દક્ષિણ કોરિયા અને અમેરિકા દ્વારા સૈન્ય ગતિવિધિઓ તેજ કરવામાં આવ્યા બાદ ઉત્તર કોરિયાએ પણ આક્રમક વલણ અપનાવતા મિસાઈલો છોડવાનું શરૂ કર્યું છે. આ પરીક્ષણ રવિવારે સવારે પ્યોંગયાંગ પાસેના સુનાન વિસ્તારમાંથી કરવામાં આવ્યું હતું.
ઉત્તર કોરિયાએ બે ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કર્યું
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) ના અહેવાલ મુજબ આ મિસાઈલો રવિવારે યલો સી પર છોડવામાં આવી હતી. આ મિસાઈલો તેના નિર્ધારિત લક્ષ્યને ભેદતા પહેલા આશરે 2 કલાક સુધી આકાશમાં ઉડતી રહી હતી. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન આ પરીક્ષણ સમયે વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા અને તેમણે સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરીને ઊંડો સંતોષ વ્યક્ત કર્યો હતો.
દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ દ્વારા આ પરીક્ષણની પુષ્ટિ કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે તેઓ અમેરિકા સાથે મળીને કોઈપણ સંભવિત ઉશ્કેરણીનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. જોકે, ઉત્તર કોરિયાનો દાવો છે કે આ પરીક્ષણ માત્ર તેમના આત્મરક્ષણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
પરમાણુ સબમરીન બનાવવાની દિશામાં
મિસાઈલ પરીક્ષણની સાથે સાથે ઉત્તર કોરિયાએ એવો પણ ખુલાસો કર્યો છે કે તેઓ પરમાણુ ક્ષમતા ધરાવતી સબમરીન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અહેવાલો અનુસાર કિમ જોંગ ઉને તાજેતરમાં આ સબમરીનની મુલાકાત પણ લીધી હતી. ઉત્તર કોરિયાની આ વધતી સૈન્ય તાકાતે દક્ષિણ કોરિયા સહિત વિશ્વના ઘણા દેશોની ચિંતામાં વધારો કર્યો છે.
