Nepal Floods: નેપાળમાં પૂર-ભૂસ્ખલનથી ભારે વિનાશ: મૃત્યુઆંક 1,344 પહોંચ્યો, 5,300થી વધુ લોકો ગુમ

નેપાળ પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) ના તાજેતરના રિપોર્ટ અનુસાર. પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 1,344 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે પડોશી તિબેટ ક્ષેત્રમાં પણ 31 લોકોએ જીવ ગુમાવ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 05 Sep 2026 12:24 PM (IST)Updated: Sat, 05 Sep 2026 12:24 PM (IST)
nepal-floods-landslides-death-toll-rises-darchula-landslide-india-sends-relief
નેપાળ પૂર સમાચાર

Nepal Floods News: નેપાળમાં તાજેતરમાં આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. દાર્ચુલા જિલ્લામાં શુક્રવારે થયેલા ભારે ભૂસ્ખલનને પગલે ચૌલાની નદીનો માર્ગ રૂંધાઈ જતાં નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભટ્ટાર વિસ્તારમાં પહાડો પરથી માટી અને પથ્થરો ધસી પડતાં નદીનો પ્રવાહ ક્ષણભર માટે રોકાઈ ગયો હતો, જોકે બાદમાં પ્રવાહ ધીમે-ધીમે સામાન્ય થયો હતો. સલામતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

નેપાળમાં બચાવ કામગીરી શરુ

નેપાળ પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) ના તાજેતરના રિપોર્ટ અનુસાર. પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 1,344 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે પડોશી તિબેટ ક્ષેત્રમાં પણ 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં 5,300થી વધુ લોકો ગુમ છે, જ્યારે રાહત દળોએ 12,000થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ત્રિશૂલી બજારમાંથી 5 વર્ષના બાળક સહિત ત્રણ ભારતીયોને બચાવી લેવાયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 169 ભારતીયોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે અને 275 ભારતીયો હજુ પણ ગુમ છે.

અબજો રૂપિયાનું નુકસાન અને આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ

નેપાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અર્જુન નરસિંહ કેસીએ જણાવ્યું કે આ હોનારતથી 800 અબજ નેપાળી રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું છે. પૂરના કારણે 32,933થી વધુ લોકો સીધા પ્રભાવિત થયા છે. 55 કિલોમીટરથી વધુ રસ્તાઓ તૂટી ગયા છે, 37 મોટરેબલ બ્રિજ અને 68 ઝૂલા પુલ ક્ષતિગ્રસ્ત થયા છે. શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્ય કેન્દ્રોને ભારે નુકસાન પહોંચ્યું છે. નેપાળી સાંસદે આબોહવા પરિવર્તનની અસરને લીધે સર્જાયેલી આ આફત સામે આંતરરાષ્ટ્રીય સ્તરે 'ક્લાઇમેટ જસ્ટિસ' અને વળતરની માંગ ઉઠાવવાની વાત કરી છે.

ભારત તરફથી મોકલવામાં આવી મોટાપાયે સહાય

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે વાતચીત કરીને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. ભારતે 7 વિશેષ વિમાનો મારફતે 95 ટન રાહત સામગ્રી નેપાળ મોકલી આપી છે. રાહત અને બચાવ કામગીરી માટે ભારતે 54 નિષ્ણાતોની ટીમ મોકલી છે, જેમાં 30 ટનલ રેસ્ક્યૂ એક્સપર્ટ્સ, 19 ફોરેન્સિક નિષ્ણાતો અને 5 સભ્યોની તબીબી ટીમ સામેલ છે.

હાલમાં ત્રિશૂલી-3 'A' હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાંથી 2 મજૂરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અને નેપાળી સેના તથા ભારતીય ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.