Nepal Flood Update: બુધવારે સવારે નેપાળમાં આવેલા અચાનક આવેલા પૂરથી ભારે વિનાશ થયો છે. તિબેટની સરહદે આવેલા રાસુવા, ધાડિંગ અને નુવાકોટ જિલ્લામાં પાણીના પ્રવાહે અનેક ગામડાઓ, રસ્તાઓ અને જળવિદ્યુત પ્રોજેક્ટ્સનો નાશ કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 95 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને મૃત્યુઆંક વધી શકે છે. વધુમાં, 105 ભારતીય નાગરિકો સહિત 500 લોકો ગુમ થયાના અહેવાલ છે.
નેપાળમાં થયેલા વિનાશની અસર હવે ભારતના સરહદી રાજ્યો બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે; બંને રાજ્યોના અનેક જિલ્લાઓમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
નેપાળમાં વિનાશના દ્રશ્યો
નેપાળ ટુરિઝમ બોર્ડ (NTB) અનુસાર, રાસુવા અને તેની આસપાસના વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 500 થી વધુ લોકો ગુમ થયા છે. આ સંખ્યામાં 291 વિદેશી પ્રવાસીઓ અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે.
ગ્લેશિયર તળાવ ફાટવાની આશંકા
સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ મુજબ રસુવા ક્ષેત્રમાં વિતેલા 24 કલાકમાં માત્ર 7 મીમી જેટલો જ સામાન્ય વરસાદ નોંધાયો છે. આથી નિષ્ણાતો માની રહ્યા છે કે આ ભયાનક પૂર સ્થાનિક વરસાદને કારણે નહીં, પરંતુ તિબ્બત ક્ષેત્રમાં ઉપરી ભાગમાં આવેલું કોઈ ગ્લેશિયર તળાવ (Glacial Lake) ફાટવાને કારણે આવ્યું છે. ક્ષણભરમાં જ ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ આવી પહોંચ્યો હતો, જેણે રસ્તાઓ, કેમ્પિંગ સાઇટ્સ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને તબાહ કરી દીધા છે.
લાપતા લોકોની વિગત અને હાઇડ્રોપાવરને નુકસાન
નેપાળ ટુરિઝમ બોર્ડ (NTB) અનુસાર, લાપતા 384થી વધુ લોકોમાં 291 વિદેશી પ્રવાસીઓ અને 93 નેપાળી નાગરિકો (ગાઇડ અને સ્થાનિક સ્ટાફ) સમાવિષ્ટ છે:
ભારતીય નાગરિકો: 105 પ્રવાસીઓ
એનઆરઆઈ (NRI): 37 લોકો
અન્ય વિદેશીઓ: અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, મલેશિયા અને દક્ષિણ આફ્રિકાના નાગરિકો.
આ ઉપરાંત ટિમુરે બોર્ડર પોસ્ટ પર તૈનાત 9 પોલીસકર્મીઓ પણ પૂરના પ્રવાહમાં ગુમ થયા છે. આ કુદરતી આફતમાં રસુવાનો એક પ્રમુખ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે, જ્યારે ધાડિંગ અને નુવાકોટમાં એક ડઝન જેટલા જળવિદ્યુત પ્રકલ્પોને ભારે નુકસાન પહોંચ્યું છે.
14 હેલિકોપ્ટર તૈનાત અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
નેપાળ સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય માટે 14 હેલિકોપ્ટર રોકવામાં આવ્યા છે. જોકે, ટિમુરે વિસ્તારમાં લોકલ હેલિપેડ પૂરના પાણીમાં વહી જવાથી રેસ્ક્યુ ટીમોને ઉતરવામાં ભારે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
નેપાળ ટુરિઝમ બોર્ડ હેલ્પલાઇન
- 1234
- 1144
- +977 9851289445
ભારતીય દૂતાવાસ (કાઠમંડુ) ઇમરજન્સી નંબર્સ
ભારતીય પ્રવાસીઓની મદદ અને માહિતી માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે પણ ચોવીસ કલાક કાર્યરત હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે:
- +977 985 131 6807
- +977 970 910 7500
બિહારના 8 જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડનો ખતરો
નેપાળની ત્રિશૂલી અને ગંડક નદીઓના કેચમેન્ટ એરિયામાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં બિહારના આપદા પ્રબંધન વિભાગે ગંડક નદીમાં 3 મીટર સુધી ઉંચા ફ્લેશ ફ્લડ વેવ આવવાની ચેતવણી આપી છે.
બિહારના 8 જિલ્લાઓ — પશ્ચિમ ચંપારણ (બેતિયા), પૂર્વ ચંપારણ (મોતિહારી), ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહરમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરી તમામ સંભવ મદદની ખાતરી આપી છે અને NDRFની ટીમો સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. ગંડક બેરેજના તમામ દરવાજા ખોલી દેવાયા છે.
ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં સતર્કતા: CM યોગીના આદેશ
નેપાળની આફતની અસર ઉત્તર પ્રદેશના પૂર્વીય જિલ્લાઓ મહરાજગંજ, ગોરખપુર, સિદ્ધાર્થનગર અને કુશીનગરમાં પણ જોવા મળી રહી છે. અહીં રોહિન અને ગંડક નદીઓના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર જણાવ્યું કે- ભોટેકોશી નદીમાં આવેલ પૂરથી થયેલ નુકસાન અત્યંત ચિંતાજનક છે. પશુપતિનાથ ભગવાન સૌના કુશળ ક્ષેમ રાખે. રાજ્યના સરહદી જિલ્લાઓમાં સ્થાનિક તંત્રને સંપૂર્ણ સતર્કતા અને જરૂરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યા છે.
