NASA Swift Observatory: અવકાશમાંથી પૃથ્વી તરફ આવી રહેલા એક સંભવિત જોખમે વૈજ્ઞાનિકો અને સામાન્ય નાગરિકોનું ધ્યાન ખેંચ્યું છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) ની 1.5 ટન વજન ધરાવતી ઐતિહાસિક અવકાશ વેધશાળા 'સ્વિફ્ટ ઓબ્ઝર્વેટરી' (Swift Observatory) લગભગ 22 વર્ષ સુધી અંતરિક્ષમાં સેવાઓ આપ્યા બાદ પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ કરી રહી છે. આ વેધશાળાના કેટલાક અવશેષો ભારતના વિવિધ વિસ્તારોમાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વર્ષ 2004માં લોન્ચ કરાઈ હતી આ ખાસ ઓબ્ઝર્વેટરી
'નીલ ગેહરેલ્સ સ્વિફ્ટ ઓબ્ઝર્વેટરી' (Neil Gehrels Swift Observatory) ને વર્ષ 2004માં બ્રહ્માંડના સૌથી તીવ્ર અને શક્તિશાળી વિસ્ફોટો—જેને 'ગામા-રે બર્સ્ટ્સ' (Gamma-ray bursts) કહેવામાં આવે છે. તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે લોન્ચ કરવામાં આવી હતી. પોતાના સમયની આ પ્રથમ 'મલ્ટી-વેવલેન્થ' ઓબ્ઝર્વેટરી હતી, જેમાં સ્થાપિત ત્રણ અદ્યતન ટેલિસ્કોપની મદદથી બ્રહ્માંડના અનેક રહસ્યો પરથી પડદો ઊંચકવામાં આવ્યો હતો.
પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા મોટાભાગનો હિસ્સો બળી જશે
નાસાના જણાવ્યા અનુસાર, યુ.એસ. સ્પેસ ફોર્સના અંદાજ મુજબ આ અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં સવારે 3:30 વાગ્યાની આસપાસ પ્રવેશવાની અપેક્ષા હતી, જેમાં 11 કલાકની અનિશ્ચિતતાની સમયમર્યાદા રહેલી છે. પૃથ્વીના વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે ઓબ્ઝર્વેટરીનો મોટાભાગનો હિસ્સો સળગીને ભસ્મ થઈ જશે, પરંતુ તેના કેટલાક મજબૂત ભાગો બચીને જમીન કે સમુદ્ર પર પડી શકે છે.
ભારતના દક્ષિણ વિસ્તારો સંભવિત પ્રભાવિત ઝોનમાં
વૈજ્ઞાનિકો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે બચેલા અવશેષો સુરક્ષિત રીતે સમુદ્રમાં જ પડે. જોકે, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની યાદીમાં ભારત, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ-પૂર્વ એશિયા તેમજ મધ્ય અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
ભારતમાં મુખ્યત્વે દક્ષિણના શહેરો જેવા કે મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, ભુવનેશ્વર અને કોચી આ સંભવિત ટ્રેકની આસપાસ આવે છે. જોકે, ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ISRO) દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
બ્રહ્માંડની સમજણ બદલવામાં મહત્વનું યોગદાન
બે દાયકાથી વધુ સમય સુધી કાર્યરત રહેલી આ વેધશાળાએ વૈજ્ઞાનિક જગતને અનેક મહત્વપૂર્ણ ડેટા પૂરા પાડ્યા છે. નાસાના મતે, આ મિશને સુપરમેસિવ બ્લેક હોલ, સક્રિય ગેલેક્સીઓ, એક્સ-રે જ્વાળાઓ છોડતા તારાઓ, સુપરનોવા વિસ્ફોટો અને આપણા સૌરમંડળના ધૂમકેતુઓ તેમજ લઘુગ્રહોને સમજવામાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી છે.
