Mexico Train Accident: મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં એક ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો છે. રવિવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની આ ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 98 લોકો ઘાયલ થયા છે. આ કરુણ અકસ્માત નિજાંડા શહેર પાસે બન્યો હતો.
મેક્સિકન નેવીના જણાવ્યા અનુસાર દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનમાં કુલ 250 લોકો સવાર હતા, જેમાં 9 ક્રૂ મેમ્બર અને 241 મુસાફરોનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે ટ્રેનમાં સવાર લોકોમાંથી 193 લોકોને જોખમથી બહાર હોવાનું જણાવાયું છે. જોકે ઘાયલ થયેલા 98 લોકોમાંથી 36 લોકોને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવી રહી છે.
તપાસના આદેશ
મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે ઘાયલ થયેલા પાંચ લોકોની હાલત અત્યંત ગંભીર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે મૃતકોના પરિવારોને સહાય પૂરી પાડવા માટે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ મામલે મેક્સિકોના એટર્ની જનરલની ઓફિસ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ અકસ્માતનો ભોગ બનેલી ઈન્ટરઓશનિક ટ્રેન એ મેક્સિકોના મહત્વાકાંક્ષી ઈન્ટરઓશનિક કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે, જેનું ઉદ્ઘાટન 2023માં પૂર્વ રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય તેહુઆન્ટેપેકના ઇસ્થમસ પર રેલ લિંકને આધુનિક બનાવવાનો છે, જે પેસિફિક પોર્ટ સલીના ક્રુઝને ખાડી તટ પરના કોએત્ઝાકોઆલ્કોસ સાથે જોડે છે.
મેક્સિકન સરકાર આ માર્ગને પનામા નહેરની સ્પર્ધામાં એક વ્યૂહાત્મક વેપાર કોરિડોર તરીકે વિકસાવવા માટે કાર્યરત છે. બંદરો, રેલવે અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓના વિસ્તરણ દ્વારા આ ટ્રેન સેવાનો હેતુ દક્ષિણ મેક્સિકોમાં પેસેન્જર અને નૂર પરિવહન વધારવાનો તેમજ આ પ્રદેશમાં આર્થિક વિકાસને વેગ આપવાનો છે.

