Massive fire at Mexico Supermarket: ઉત્તરપશ્ચિમ મેક્સિકન રાજ્ય સોનોરાની રાજધાની હર્મોસિલોમાં એક સ્ટોરમાં ભીષણ આગ અને વિસ્ફોટમાં ઘણા બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે અને 12 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શહેરના ડાઉનટાઉન વિસ્તારમાં આવેલા વાલ્ડોઝ સ્ટોરમાં બની હતી. સોનોરાના ગવર્નર અલ્ફોન્સો દુરાઝોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં ઘટનાની પુષ્ટિ કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ
સ્ટેટ એટર્ની જનરલ ગુસ્તાવો સલાસ ચાવેઝે જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી મૃત્યુ થયા છે. હાલમાં એવા કોઈ સંકેત નથી કે આગ જાણી જોઈને લગાવવામાં આવી હતી, જોકે શક્યતા નકારી શકાય નહીં. ઘટના બાદ, 12 ઘાયલ લોકોને હર્મોસિલોની છ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ સારવાર લઈ રહ્યા છે.

રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે શોક વ્યક્ત કર્યો
મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે, "આ ભયાનક અકસ્માતમાં પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. સરકારી રાહત ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે."

આગ લાગવાનું કારણ અકબંધ
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં સ્ટોર સંપૂર્ણપણે આગમાં લપેટાયેલો જોવા મળ્યો હતો. એક વીડિયોમાં એક બળી ગયેલો માણસ સ્ટોરની બહાર પડી રહ્યો હતો, જે ઘટનાની ગંભીરતાનો ખ્યાલ આપે છે. સ્થાનિક અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ફાયર ફાઇટરોએ ઘણા કલાકોના પ્રયાસો પછી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં નોંધપાત્ર નુકસાન થઈ ચૂક્યું હતું. આગ લાગવાના ચોક્કસ કારણની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

