સ્પેનમાં મોટો રેલ અકસ્માત: બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 39 લોકોના મોત

Central Spain Train Accident: સ્પેનના ટોલેડોમાં મેડ્રિડ-અંડાલુસિયા હાઈ-સ્પીડ રેલ લાઇન પર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર થતા 39 લોકોનાં મોત થયા છે. જાણો અકસ્માતની વિગતો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 28 Oct 2026 04:51 PM (IST)Updated: Wed, 28 Oct 2026 04:51 PM (IST)
major-rail-accident-in-spain-violent-collision-between-two-highspeed-trains-many-people-dead

Central Spain Train Accident: સેન્ટ્રલ સ્પેનમાં બુધવારે સવારે એક હૃદયકંપાવનારી દુર્ઘટના સામે આવી છે. ટોલેડો પ્રાંતમાં એક જ દિશામાં જઈ રહેલી બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા 39 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સ્પેનના રેલવે સિસ્ટમ ઓપરેટર ADIF (એડિફ)એ આ અકસ્માતની પુષ્ટિ કરી છે.

એક જ ટ્રેક પર આવી ગઈ બે હાઈ-સ્પીડ ટ્રેનો

બ્રિટિશ સમાચાર એજન્સી 'ધ ઈન્ડિપેન્ડન્ટ' અને સ્પેનિશ સરકારી બ્રોડકાસ્ટર TVEના રિપોર્ટ અનુસાર, આ અકસ્માત બુધવારે સવારે આશરે 9:00 વાગ્યે થયો હતો.

મેડ્રિડ-અંડાલુસિયા હાઈ-સ્પીડ રેલ લાઇન પર દોડતી 'રેનફે' (Renfe) અને 'ઇર્યો' (Iryo) કંપનીની બે ટ્રેનો એક જ દિશામાં જઈ રહી હતી. તે દરમિયાન પાછળથી આવતી ટ્રેને આગળ ચાલતી ટ્રેનના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ઇર્યો ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઊતરીને રમકડાની જેમ વિખેરાઈ ગયા હતા.

naidunia_image

રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં

ઘટનાની જાણ થતાં જ સિવિલ પ્રોટેક્શન અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

સ્પોર્ટ્સ પેવેલિયન બન્યું મેડિકલ સેન્ટર: અકસ્માત સ્થળની નજીક આવેલા 'ઉર્દા' શહેરના મેયર માનુએલ ગેલને જણાવ્યું કે, મોટી સંખ્યામાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોની ઝડપી સારવાર માટે ટાઉન હોલ પાસે આવેલા સ્પોર્ટ્સ પેવેલિયન (રમતગમતના મેદાન)ને તાત્કાલિક ધોરણે અસ્થાયી સારવાર કેન્દ્રમાં ફેરવી દેવામાં આવ્યું છે.

ભયાનક દ્રશ્યો: નજીકના 'લોસ યેબેનેસ' ગામના મેયર જેસસ પેરેઝે દ્રશ્યો વર્ણવતા કહ્યું હતું કે- અકસ્માત એટલો ભયાનક છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

પ્રમુખ મુલાકાતે: કાસતિયા લા માંચા ક્ષેત્રના પ્રાદેશિક પ્રમુખ એમિલિયાનો ગાર્સિયા-પેજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપી હતી કે તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરવા અને બચાવ કામગીરી પર નજર રાખવા સીધા ક્રેશ સાઇટ પર જઈ રહ્યા છે.

રેલ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ

અકસ્માત બાદ ADIF એ ટ્વિટર (X) પર અધિકૃત સંદેશ જાહેર કરીને માહિતી આપી છે કે, ટ્રેનોની ટક્કર અને પાટા પરથી ઉતરી જવાના કારણે મેડ્રિડ-અંડાલુસિયા હાઈ-સ્પીડ રેલ લાઈન પરનો તમામ વાહનવ્યવહાર અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવ્યો છે. રેલવે લાઇન પરથી કાટમાળ ખસેડવાની અને ટ્રેક રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

9 મહિનામાં બીજી વાર એ જ લાઇન પર મોટો અકસ્માત: સુરક્ષા સામે સવાલો

આ અકસ્માતે સ્પેનના રેલવે તંત્રની સુરક્ષા અને માળખાકીય સુવિધાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે બરાબર 9 મહિના પહેલા પણ આ જ રેલવે લાઇન પર, આ જ ઓપરેટરની હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે આવી જ ભયાનક દુર્ઘટના ઘટી હતી, જેમાં 46 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

જાન્યુઆરી મહિનામાં કોર્ડોબા પ્રાંતના અદામુઝ પાસે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. ટૂંક સમયમાં બનેલી આ સતત બીજી મોટી હોનારતને કારણે સ્પેનમાં રેલવેના માવજત અને મેન્ટેનન્સ (Maintenance) પાછળ થતા રોકાણ અને તકનીકી ખામીઓ અંગે દેશભરમાં મોટી બહસ શરૂ થઈ ગઈ છે.