Lalit Modi Apology: અમે ભારતના બે સૌથી મોટા ભાગેડુ... વીડિયોથી વિવાદ વધતા લલિત મોદીએ માંગી માફી

લંડનમાં વિજય માલ્યાના 70મા જન્મદિવસની પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં લલિત મોદીએ પોતાને અને માલ્યાને "ભારતના સૌથી મોટા ભાગેડુ" તરીકે ઓળખાવ્યા હતા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 29 Dec 2025 04:32 PM (IST)Updated: Mon 29 Dec 2025 04:32 PM (IST)
lalit-modi-apologise-biggest-fugitives-video-with-vijay-mallya-664149

Lalit Modi Apology: લંડનમાં ધામધૂમથી ઉજવવામાં આવેલી વિજય માલ્યાની 70મી બર્થડે પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આઈપીએલ (IPL) ના પૂર્વ ચેરમેન લલિત મોદી પોતાની જાતને અને વિજય માલ્યાને 'ભારતના બે સૌથી મોટા ભાગેડુ' ગણાવતા જોવા મળે છે. બંને આ વાત હસતા-હસતા કહી રહ્યા છે, જેને કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ બંને ભારતમાંથી ભાગીને લંડનમાં એશ કરી રહ્યા છે અને ભારતીય કાયદાની મજાક ઉડાવી રહ્યા છે.

લલિત મોદીએ પોસ્ટ ડિલીટ કરીને માફી માંગી
વિવાદને શાંત પાડવા માટે લલિત મોદીએ એક પોસ્ટ દ્વારા માફી માંગી હતી. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે જો મેં કોઈની લાગણી દુભાવી હોય ખાસ કરીને ભારત સરકાર પ્રત્યે, જેના માટે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે, તો હું માફી માંગુ છું. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે અને તેમનો આવો કોઈ ઈરાદો નહોતો.

ભારત સરકારની કડક પ્રતિક્રિયા
આ વાયરલ વીડિયો પર ભારત સરકારના વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકાર કાયદા દ્વારા ભાગેડુઓને પાછા લાવવા અને અહીં કોર્ટમાં ટ્રાયલનો સામનો કરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ મામલે ઘણા દેશો સાથે વાતચીત અને કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. ભલે આ કેસમાં કાયદાકીય ગૂંચવણો હોય, પરંતુ સરકાર આ બાબતે પાછળ હટશે નહીં તેવું મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે.

લલિત મોદી અને વિજય માલ્યા પરના ગંભીર આરોપો
લલિત મોદી અને વિજય માલ્યા બંને હાલમાં બ્રિટનમાં રહે છે અને ભારતમાં તેમની સામે ગંભીર નાણાકીય ગુનાઓના આરોપો છે. લલિત મોદી 2010માં ભારત છોડીને ગયા હતા અને તેમની સામે આઈપીએલ સંબંધિત ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને 125 કરોડ રૂપિયાથી વધુની લાંચ લેવાના આરોપો છે. બીજી તરફ વિજય માલ્યા 2016માં ભારત છોડીને ભાગી ગયા હતા, જેમની પર કિંગફિશર એરલાઈન્સ માટે લીધેલી બેંક લોનમાં આશરે 9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.