મહાત્મા ગાંધીના પૌત્રની 30 એકર જમીનનો વિવાદ ઉકેલાયો: યુએસ કોર્ટે ટ્રસ્ટની તરફેણમાં આપ્યો ચુકાદો

વર્જિનિયાની વોરેન કાઉન્ટીમાં શેનાન્ડોઆ નેશનલ પાર્ક નજીક આવેલી આ 30 એકર જમીન કાનુ ગાંધી અને તેમનાં પત્ની શિવા ગાંધીએ 1987માં ખરીદી હતી. આ મિલકત પર ગ્રેગરી બ્લેક નામના વર્જિનિયાના એક સ્થાનિક રહેવાસીએ ગેરકાયદેસર કબજો જમાવીને વર્જિનિયાના 'એડવર્સ પઝેશન' નિયમ હેઠળ માલિકી હકનો દાવો કર્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 30 Oct 2026 09:53 AM (IST)Updated: Fri, 30 Oct 2026 09:53 AM (IST)
kanu-gandhi-us-land-dispute-resolved-virginia-court-rules-in-favor-of-gandhi-trust-2026
કાનુ ગાંધી

Kanu Gandhi US Property Case: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર સ્વર્ગસ્થ કાનુ ગાંધી અને તેમનાં પત્ની સ્વ. શિવા ગાંધીની માલિકીની અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં આવેલી 30 એકર કિંમતી જમીન અંગેનો 20 મહિના લાંબો કાનૂની વિવાદ આખરે યુનાઇટેડ સ્ટેટ્સની અદાલતમાં પૂર્ણ થયો છે. અમેરિકન કોર્ટે ગાંધી પરિવાર અને તેમના દ્વારા સ્થાપિત ટ્રસ્ટની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપીને જમીન પર ગેરકાયદેસર દાવો કરનાર સ્થાનિક અમેરિકન નાગરિકને તાત્કાલિક મિલકત ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

30 એકર જમીનની પુનઃપ્રાપ્તિ અને 'એડવર્સ પઝેશન'નો દાવો રદ

વર્જિનિયાની વોરેન કાઉન્ટીમાં શેનાન્ડોઆ નેશનલ પાર્ક નજીક આવેલી આ 30 એકર જમીન કાનુ ગાંધી અને તેમનાં પત્ની શિવા ગાંધીએ 1987માં ખરીદી હતી. આ મિલકત પર ગ્રેગરી બ્લેક નામના વર્જિનિયાના એક સ્થાનિક રહેવાસીએ ગેરકાયદેસર કબજો જમાવીને વર્જિનિયાના 'એડવર્સ પઝેશન' નિયમ હેઠળ માલિકી હકનો દાવો કર્યો હતો. આ નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ 15 વર્ષ સુધી સતત અને વિશિષ્ટ રીતે જમીન પર કબજો રાખે, તો તે માલિકી દાવો કરી શકે છે. જોકે, કોર્ટ સમક્ષ તે 'વિશિષ્ટ અને વાસ્તવિક કબજો' તેમજ 'વિરોધી દાવો' સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

ટ્રસ્ટની સ્થાપના અને સુરતના પરિમલ દેસાઈની કાનૂની લડાઈ

કાનુ ગાંધી અને શિવા ગાંધી 2013માં ભારત પરત ફર્યા હતા અને તેમણે પોતાના જીવનના અંતિમ વર્ષો દક્ષિણ ગુજરાતમાં વિતાવ્યા હતા. નવેમ્બર 2016માં સુરત ખાતે કાનુ ગાંધીનું અવસાન થયું હતું. ત્યારબાદ, વર્ષ 2018માં શિવા ગાંધીએ ‘ધ ડૉ. શિવા એન્ડ કાનુ રામદાસ મોહનદાસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી હતી. વર્ષ 2020માં શિવા ગાંધીના અવસાન બાદ વસિયતનામા મુજબ સુરતના પરિમલ દેસાઈએ મેનેજિંગ ટ્રસ્ટી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

જ્યારે ગ્રેગરી બ્લેકે 10 જાન્યુઆરી, 2025ના રોજ કાયદાકીય નોટિસ મોકલી, ત્યારે પરિમલ દેસાઈના નેતૃત્વ હેઠળ 20 મહિના સુધી ચાલેલી મજબૂત કાનૂની લડાઈનો પ્રારંભ થયો હતો.

AI અને GIS મેપિંગ ટેકનોલોજીથી સાબિત કરાયા પુરાવા

પરિમલ દેસાઈએ અમેરિકામાં વકીલો રોકીને તેમજ ભારતથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ કેસની વ્યુહરચના ઘડી હતી. કેસ જીતવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને GIS નકશાઓની મહત્વની ભૂમિકા રહી:

GIS મેપિંગ:

નકશાઓ દ્વારા કોર્ટમાં સાબિત કરવામાં આવ્યું કે જે કેબિન (ઝૂંપડી/માળખું) પર બ્લેક પોતાનો 15 વર્ષનો કબજો દર્શાવતો હતો, તે ખરેખર 15 વર્ષથી ત્યાં અસ્તિત્વમાં જ નહોતી.

વાસ્તવિક સ્થિતિ:

2020 પછી પરિમલ દેસાઈ પોતે અનેકવાર ત્યાં ગયા હતા. તે સિવાય ત્યાં અન્ય એક મહિલા પણ રહેતી જોવા મળી હતી, જેનાથી બ્લેકનો એ દાવો ખોટો સાબિત થયો કે તે ત્યાં 'એકમાત્ર અને અવિરત' કબજેદાર હતો.

8 થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી અંતિમ સુનાવણીમાં કોર્ટે તમામ પુરાવા ધ્યાને લઈ ગાંધી પરિવારના ટ્રસ્ટના નામે જમીનનો માલિકી હક આપ્યો છે. આ જમીનનો ઉપયોગ હવે ગાંધીવાદી વિચારોના પ્રસાર અને પરોપકારી કાર્યો માટે કરવામાં આવશે.