Israel Election Exit Poll 2026: ઈઝરાયેલમાં મંગળવારે યોજાયેલી ઐતિહાસિક સંસદીય ચૂંટણી બાદ જાહેર થયેલા પ્રારંભિક 'એક્ઝિટ પોલ' માં દેશના રાજકારણમાં મોટા પલટાના સંકેત મળી રહ્યા છે. 7 ઓક્ટોબર, 2023 ના હમાસના હુમલા બાદ દેશમાં યોજાયેલી આ પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ભૂતપૂર્વ લશ્કરી વડા ગાડી આઈઝેનકોટના નેતૃત્વ હેઠળનું વિરોધ પક્ષોનું ગઠબંધન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સત્તાધારી ગઠબંધન કરતાં સહેજ આગળ નીકળતું દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં દાયકાઓ પછી રેકોર્ડબ્રેક 75 ટકા જેવું ભારે મતદાન નોંધાયું છે.
એક્ઝિટ પોલના આંકડા અને બેઠકોની સ્થિતિ
ઈઝરાયેલી પ્રમુખ ટેલિવિઝન ચેનલો (ચેનલ 11, 12 અને 13) દ્વારા જાહેર કરવામાં આવેલા અંદાજો મુજબ:
વિરોધ પક્ષનું ગઠબંધન:
ભૂતપૂર્વ લશ્કરી વડા ગાડી આઈઝેનકોટના નેતૃત્વમાં વિપક્ષી ગઠબંધનને 52 થી 53 બેઠકો મળવાની ધારણા છે.
નેતન્યાહૂનું ગઠબંધન:
વડાપ્રધાન નેતન્યાહૂના નેતૃત્વ હેઠળના કટ્ટર જમણેરી પક્ષો ધરાવતા ગઠબંધનને આશરે 50 બેઠકો મળવાની અપેક્ષા છે.
લિકુડ પક્ષ સૌથી મોટો:
નેતન્યાહૂનો પોતાનો 'લિકુડ' પક્ષ સંસદમાં 24 થી 25 બેઠકો જીતીને સૌથી મોટા એકલ પક્ષ તરીકે ઉભરી શકે છે.
સ્પષ્ટ બહુમતીના અભાવે ગઠબંધન સરકાર માટે ખેંચતાણ
ઈઝરાયેલી સંસદમાં સરકાર રચવા માટે 61 બેઠકોના જાદુઈ આંકડાની જરૂર હોય છે. એક્ઝિટ પોલ દર્શાવે છે કે કોઈ પણ પક્ષ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતી નથી. આ સ્થિતિમાં નવી સરકાર રચવા માટે વાટાઘાટો અને જોડતોડનું રાજકારણ આગામી અઠવાડિયાઓ સુધી ચાલી શકે છે.
આરબ પક્ષો બનશે 'કિંગમેકર'?
આ ચૂંટણીમાં આરબ પક્ષોએ પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. એક્ઝિટ પોલના અંદાજો અનુસાર, આરબ પક્ષો 17 થી 18 બેઠકો મેળવી શકે છે. આ પરિણામ તેમને આગામી સંસદમાં નવી સરકાર બનાવવા માટે નિર્ણાયક અને 'કિંગમેકર'ની ભૂમિકામાં લાવી શકે છે.
નેતન્યાહૂના આક્ષેપો અને આઈઝેનકોટનો પ્રહાર
ચૂંટણીના દિવસે વડાપ્રધાન નેતન્યાહૂએ આક્રમક વલણ અપનાવતા આરોપ લગાવ્યો હતો કે આરબ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નેતન્યાહૂએ પોતાનો સમગ્ર ચૂંટણી પ્રચાર હમાસ અને ઈરાન જેવા દુશ્મનો સામે દેશની સુરક્ષાના મુદ્દા પર કેન્દ્રિત રાખ્યો હતો.
બીજી તરફ, વિપક્ષી નેતા ગાડી આઈઝેનકોટે એક્ઝિટ પોલના આંકડાઓને આવકારતા જણાવ્યું હતું કે આ પરિણામો દર્શાવે છે કે જનતાનો નેતન્યાહૂ અને તેમની વર્તમાન સરકાર પરથી વિશ્વાસ સંપૂર્ણપણે ઊઠી ગયો છે. વિરોધ પક્ષોએ આ પ્રારંભિક ટ્રેન્ડ્સને નેતન્યાહૂની રાજકીય હાર ગણાવી છે.
