India Pakistan Navy Clash: તાજેતરમાં ઉત્તર અરબ સાગરના આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ભારત અને પાકિસ્તાનની નૌસેના વચ્ચે એક ગંભીર ઘર્ષણની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે શાંત દેખાતા દરિયામાં અચાનક સર્જાયેલી આ સ્થિતિએ બંને દેશો વચ્ચે રાજદ્વારી હલચલ મચાવી દીધી છે. ભારતીય નૌસેના પોતાની નિયમિત ડ્યુટી પર હતી ત્યારે પાકિસ્તાની જહાજની બેજવાબદાર હરકતના કારણે આ ટક્કર થઈ હતી.
ક્યારે અને કેવી રીતે થઈ ટક્કર?
15ન સપ્ટેમ્બર 2026ની સાંજે ઉત્તર અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમા ખાતે ભારતીય નૌસેનાનું એક મુખ્ય ફ્રન્ટલાઈન જહાજ રૂટીન સર્વેલન્સ મિશન પર તૈનાત હતું. તે જ સમયે પાકિસ્તાન નૌસેનાનું જહાજ (જે અહેવાલો મુજબ પાકિસ્તાની ઓફશોર પેટ્રોલ વેસલ 'પીએનએસ હુનૈન' હોવાનું મનાય છે) અતિશય ઝડપ સાથે અને અસુરક્ષિત રીતે ભારતીય જહાજની ખૂબ જ નજીક આવી ગયું હતું. પાકિસ્તાનના આ બિન-વ્યાવસાયિક (Unprofessional) અને આક્રમક વલણને કારણે બંને જહાજો વચ્ચે ટક્કર સર્જાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં ભારતીય જહાજને કોઈ મોટું કે ગંભીર નુકસાન થયું નથી.
ભારત સરકારનું કડક પગલું: પાકિસ્તાની રાજદૂત તલબ
આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) ત્વરિત એક્શન લીધા છે. નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનના 'ચાર્જ ડિ અફેર્સ' (પ્રભારી) ને તાત્કાલિક તેડું મોકલીને સાઉથ બ્લોક બોલાવવામાં આવ્યા. ભારતે સમુદ્રમાં પાકિસ્તાની નૌકાદળના આ અસ્વીકાર્ય અને ખતરનાક વ્યવહાર સામે સખત શબ્દોમાં વાંધો અને વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાની રાજદૂતને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પોતાના દેશના સત્તાવાળાઓ સુધી આ કડક સંદેશ પહોંચાડે કે ભવિષ્યમાં આવી જોખમી હરકતોનું પુનરાવર્તન ન થાય. આ ઉપરાંત, ઇસ્લામાબાદ સ્થિત ભારતીય રાજદૂતને પણ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય કરાર અને નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન
આ સમગ્ર મામલે પાકિસ્તાને માત્ર સુરક્ષા નિયમો જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના જૂના દ્વિપક્ષીય કરારનો પણ ભંગ કર્યો છે. એપ્રિલ 1991માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય અભ્યાસ, યુદ્ધાભ્યાસ અને સૈનિકોની હિલચાલ બાબતે એક સમજૂતી થઈ હતી.
આ કરારના આર્ટિકલ 10 (Article 10) મુજબ, આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઓપરેશન કરતી વખતે બંને દેશોના નૌસૈનિક જહાજોએ પરસ્પર સુરક્ષિત અંતર જાળવવું ફરજિયાત છે. પાકિસ્તાની જહાજે આ નિયમોને નેવે મૂકીને અસુરક્ષિત માવજત કરી, જે સીધી રીતે 1991ના કરારની શરતો વિરુદ્ધ છે.
આ ઘટના સાબિત કરે છે કે સમુદ્રમાં પણ પાકિસ્તાની સેનાની અપરિપક્વ અને ઉશ્કેરણીજનક માનસિકતા યથાવત છે, જેને ભારત દ્વારા યોગ્ય રાજદ્વારી માધ્યમોથી કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે.
