NSA Ajit Doval Russia visit: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની રશિયા મુલાકાત મહત્વપૂર્ણ જોવા મળી રહી છે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. નાયબ વડાપ્રધાન ડેનિસ મંટુરોવ સાથે લશ્કરી-તકનીકી અને વ્યૂહાત્મક પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ પણ પુતિન સાથે વાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
અજીત ડોભાલ રશિયાની મુલાકાતે
રશિયાની મુલાકાતે પહોંચેલા NSA અજીત ડોભાલ સતત બેઠક કરી રહ્યા છે. તાજેતરમાં તેઓ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. આ પછી તેમણે કહ્યું કે, પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે, જેની તારીખો અમને ખૂબ જ ટૂંક સમયમાં ખબર પડશે. આ મુલાકાત દરમિયાન, NSA રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાનને પણ મળ્યા હતા.
નાયબ વડાપ્રધાન સાથે કરી મુલાકાત
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રશિયન પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસ મન્તુરોવ સાથે દ્વિપક્ષીય લશ્કરી-તકનીકી સંબંધો અને વ્યૂહાત્મક ક્ષેત્રમાં સંયુક્ત પ્રોજેક્ટસના અમલીકરણની ચર્ચા કરી હતી.
અજીત ડોભાલ દ્વિપક્ષીય ઉર્જા અને સંરક્ષણ સંબંધો પર મહત્વપૂર્ણ વાટાઘાટો કરવા અને આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતની તૈયારી માટે રશિયામાં છે. ભારતમાં રશિયન દૂતાવાસ અનુસાર, ડોભાલ અને મન્તુરોવ શુક્રવારે મળ્યા હતા.
NSA ડોભાલની રશિયામાં મુલાકાત
NSA અજીત ડોભાલે તેમની રશિયન મુલાકાત દરમિયાન ઘણી બેઠક યોજી છે. NSAની આ બેઠક રશિયન રાષ્ટ્રપતિ, રશિયાના નાયબ પીએમ સાથે યોજાઈ છે. અજીત ડોભાલે રશિયન સુરક્ષા પરિષદના સચિવ સેરગેઈ શોઈંગુ સાથે પણ વાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન શોઈંગુએ કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા મજબૂત છે અને સમયની કસોટી પર ખરી ઉતરી છે.
વડાપ્રધાન મોદીએ પુતિન સાથે વાત કરી
વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સમય દરમિયાન વડાપ્રધાન મોદીએ પુતિનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, આજે મારી મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર સારી અને વિગતવાર વાતચીત થઈ. પુતિને યુક્રેન મુદ્દા પર નવીનતમ પરિસ્થિતિ જણાવી, જેના માટે મેં તેમનો આભાર માન્યો. અમે ભારત-રશિયા દ્વિપક્ષીય કાર્યસૂચિની પ્રગતિની સમીક્ષા કરી અને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પનો પણ પુનરોચ્ચાર કર્યો. મેં રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
અમેરિકાને આપ્યો સંદેશ
નોંધનીય છે કે NSA ની રશિયાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા પર ભારતીય માલ પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે, જે ટેરિફને બમણો કરીને 50 ટકા કરી દીધો છે.
નોંધનીય છે કે પુતિન માત્ર ભારત જ નથી આવી રહ્યા, પરંતુ પીએમ મોદી પણ આ મહિનાના અંતમાં ચીનની મુલાકાત લેવાના છે. ગુરુવારે, પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. આ ઘટનાક્રમે અમેરિકાને સીધો અને રાજદ્વારી સંદેશ આપ્યો છે.
