H-1B visa: ભારતમાં H-1B વિઝાની એપોઇન્ટમેન્ટ મોટા પાયે રદ કરવામાં આવી છે, જેના કારણે અરજદારોને હવે લાંબી પ્રતીક્ષા કરવી પડશે અને તેમની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. વિઝા એપોઇન્ટમેન્ટ રદ થવાથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં નિરાશા જોવા મળી રહી છે અને તેઓને પોતાની યોજનાઓને લઈને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે.
ટેક કંપનીઓને આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવા કડક સૂચના
એપલ અને ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી ઇમિગ્રેશન ફર્મ્સ દ્વારા કર્મચારીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ અત્યારે વતન ન જાય. એચ-1બી વિઝા ધારકોને તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રવાસથી બચવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે દૂતાવાસોમાં વિઝા સ્ટેમ્પિંગ એપોઇન્ટમેન્ટમાં 12 મહિના સુધીના વિલંબના અહેવાલો સામે આવ્યા છે.
એપોઇન્ટમેન્ટમાં વિલંબને કારણે પ્રોફેશનલ્સની હાલત કફોડી
ઘણા વ્યાવસાયિકો કે જેઓ વિઝા રિન્યૂ કરાવવા માટે ભારત આવ્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, જેમ કે એક કર્મચારીની ડિસેમ્બરની એપોઇન્ટમેન્ટ છેક એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી છે. જો તમે અત્યારે અમેરિકામાં હોવ તો ઘણી કંપનીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે ભારત કે અન્ય કોઈ દેશની યાત્રા કરવાનું ટાળવું જોઈએ જેથી અટવાઈ જવાની સ્થિતિ ઊભી ન થાય.
ટ્રમ્પ પ્રશાસનની કડક નીતિ
વિઝા એપોઇન્ટમેન્ટની તારીખોમાં આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ H-1B અને H-4 આશ્રિત વિઝા માટે લાગુ કરાયેલ સોશિયલ મીડિયા તપાસ નીતિ છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા અમલમાં મૂકાયેલી આ નવી નીતિનો હેતુ અમેરિકાને રાષ્ટ્રીય સુરક્ષાના જોખમોથી બચાવવાનો છે. જોકે આ કડક તપાસના કારણે ઘણા અરજદારોને હવે 2026 ના અંત સુધીની અથવા તો 2027 સુધીની નવી અને સંશોધિત એપોઇન્ટમેન્ટ તારીખો મળી રહી છે.
