Gujarat Student Russian Army News: ગુજરાતના મોરબીનો રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈન વર્ષ 2024માં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે રશિયા ગયો હતો. જોકે ત્યાં તેને પરિસ્થિતિના કારણે રશિયન સેનામાં જોડાવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. હાલમાં સાહિલે યુક્રેનથી એક SOS વીડિયો જારી કરીને ભારત સરકાર પાસે મદદની માંગ કરી છે.
ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી
સાહિલે વીડિયોમાં જણાવ્યું કે તે રશિયામાં અભ્યાસની સાથે એક કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઈમ કામ કરતો હતો. તેનો આરોપ છે કે રશિયન પોલીસે તેને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દીધો હતો. ત્યારબાદ તેને એવી ઓફર આપવામાં આવી હતી કે જો તે રશિયન સેનામાં સેવા આપશે, તો તેની સામેના તમામ આરોપો હટાવી દેવામાં આવશે. સાહિલના જણાવ્યા મુજબ રશિયામાં આવા આશરે 700 જેટલા લોકો છે જેમને ડ્રગ્સના કેસમાં જેલમાં નાખવામાં આવ્યા છે અને સેનામાં જોડાવાની શરતે મુક્ત કરવાનો વિકલ્પ અપાયો છે.
માત્ર 15 દિવસની ટ્રેનિંગ અને ફ્રન્ટલાઈન પર તૈનાત
ખોટા કેસમાંથી છૂટવા માટે સાહિલે રશિયન સેનાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. તેણે જણાવ્યું કે તેને માત્ર 15 દિવસની તાલીમ આપીને સીધો જ યુદ્ધના મેદાનમાં મોકલી દેવામાં આવ્યો હતો. ફ્રન્ટલાઈન પર પહોંચતા જ સાહિલે તક મળતાની સાથે જ યુક્રેનિયન સેના સમક્ષ આત્મસમર્પણ (સરેન્ડર) કરી દીધું હતું. હાલમાં તે યુક્રેનિયન દળોના કબજામાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી
યુક્રેનથી રેકોર્ડ કરેલા વીડિયોમાં સાહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરીને તેની સુરક્ષિત ઘર વાપસી સુનિશ્ચિત કરે. તેણે અન્ય ભારતીય યુવાનોને પણ અપીલ કરી છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં રશિયન સેનામાં ન જોડાય અને રશિયામાં સક્રિય ઠગોથી સાવચેત રહે જે તેમને ખોટા કેસમાં ફસાવી શકે છે.
સાહિલે વીડિયોમાં જણાવ્યું છે કે મને ખૂબ જ નિરાશા લાગે છે. તેમણે કહ્યું કે મને ખબર નથી કે આગળ શું થશે. પરંતુ રશિયા આવતા યુવાનો માટે મારી પાસે એક સંદેશ છે - સાવધાન રહો. અહીં ઘણા કૌભાંડીઓ છે જે તમને ખોટા ડ્રગ કેસમાં ફસાવી શકે છે. હું ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું, કૃપા કરીને મને મદદ કરો.
Ukrainian Defenders from the 63rd Mechanized Brigade captured a 22-year-old Indian who fought on the Russian side.
— Anton Gerashchenko (@Gerashchenko_en) October 7, 2025
Majothi shared that he came to Russia to study at a university, and at some point was sentenced to seven years in a Russian prison on drug-related charges. He… pic.twitter.com/7X3yMRUUVu
સાહિલની માતાએ પોતાના પુત્રને પરત લાવવા માટે દિલ્હીની અદાલતમાં અરજી દાખલ કરી છે, જેની આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં થવાની છે. યુક્રેનિયન સત્તાવાળાઓએ સાહિલનો વીડિયો તેની માતાને મોકલ્યો હતો જેથી રશિયન સેનામાં ભારતીયોની છેતરપિંડીથી થતી ભરતી અંગે જાગૃતિ ફેલાવી શકાય.
ભારત સરકારે શું કહ્યું
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે ભારત રશિયન સશસ્ત્ર દળોમાં સામેલ થયેલા ભારતીય નાગરિકોની વહેલી તકે મુક્તિ માટે પ્રયાસો કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતીય નાગરિકોને મુક્ત કરવા પર ભાર મૂક્યો હતો.
