French President House: સામાન્ય રીતે ઘરો કે દુકાનોમાં ચોરી થતી હોય છે, પરંતુ જ્યારે દેશના રાષ્ટ્રપતિના અધિકૃત નિવાસસ્થાનમાં ચોરી થાય ત્યારે તે સુરક્ષા વ્યવસ્થા માટે શરમજનક બાબત ગણાય છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના અધિકૃત નિવાસસ્થાન એલિસી પેલેસમાં આ ચોરીની ઘટના બની છે. આ ચોરી કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ ત્યાં કામ કરતા એક મેનેજરે તેના બે સાથીદારો સાથે મળીને કરી હતી.
આશરે 42 લાખ રૂપિયાની કિંમતની વસ્તુઓની ચોરી
પેરિસ પોલીસના જણાવ્યા અનુસાર એલિસી પેલેસના ચીફ મેનેજરે સામાન ગુમ હોવાની જાણ કરી હતી. ચોરી થયેલા સામાનમાં હજારો યુરોની કિંમતના ચાંદીના વાસણો અને ટેબલ સેટનો સમાવેશ થાય છે. આ ચોરી થયેલી વસ્તુઓની અંદાજિત કિંમત 15,000 થી 40,000 યુરો એટલે કે આશરે 42 લાખ રૂપિયા હોવાનું મનાય છે.
ઓનલાઇન હરાજી દ્વારા ખુલી ચોરીની પોલ
ચોરી કર્યા બાદ આરોપીઓએ આ સામાન એક વ્યક્તિને વેચી દીધો હતો, જેણે આ વસ્તુઓને એક વેબસાઇટ પર ઓનલાઇન હરાજી માટે મૂકી હતી. 'સેવરેસ મેન્યુફેક્ચરિંગ કંપની' કે જે આ વાસણો બનાવતી અને પ્રેસિડેન્ટ હાઉસમાં સપ્લાય કરતી હતી, તેણે આ વસ્તુઓ ઓનલાઇન હરાજીમાં જોઈ અને તરત પ્રેસિડેન્ટ હાઉસનો સંપર્ક કર્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી મેનેજર ખાવા-પીવાની વસ્તુઓના ઓનલાઇન વિક્રેતાઓ સાથે સંપર્કમાં હતો.
100 જેટલી કિંમતી વસ્તુઓ જપ્ત
પોલીસે જ્યારે મેનેજરના પ્રાઇવેટ લોકર, ગાડી અને ઘરની તલાશી લીધી, ત્યારે ત્યાંથી આશરે 100 જેટલી વસ્તુઓ મળી આવી હતી. રિકવર કરાયેલા સામાનમાં તાંબાના વાસણો, સેવરેસ પોર્સેલેઇન, રેને લાલિકની નાની મૂર્તિ અને બેકરેટ શેમ્પેન ગ્લાસનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન 'ફ્રેન્ચ એરફોર્સ' લખેલી પ્લેટ અને રાખદાની (ashtray) પણ મળી આવી હતી, જે સામાન્ય લોકો પાસે હોઈ શકે નહીં.
આરોપીઓને 10 વર્ષ સુધીની જેલની થઈ શકે છે સજા
પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને તમામ ચોરાયેલો સામાન એલિસી પેલેસને પરત કરી દીધો છે. આ ગુના માટે ત્રણેય આરોપીઓને 10 વર્ષ સુધીની જેલની સજા અને 1,50,000 યુરોનો દંડ થઈ શકે છે.
