France Shooting Incident: ફ્રાન્સમાં શનિવારે યોજાનાર દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અગાઉ શુક્રવારે રાજધાની પેરિસ નજીક આવેલા ટ્રેપ્સ શહેરમાં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 12 વર્ષની બાળકી સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શંકાસ્પદ હુમલાખોરની અટકાયત કરી લેવામાં આવી અને તપાસ એન્ટી-ટેરરિઝમ પ્રોસિક્યુશન ઓફિસને સોંપવામાં આવી છે.
હુમલાખોર યુરોપિયન મૂળનો હોવાનું સામે આવ્યું છે, જેણે પોતાની કારમાંથી આફ્રિકન અને ઉત્તર આફ્રિકન મૂળના લોકો પર ગોળીબાર કર્યો હતો. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતાં તેને આતંકવાદી અને રેસિસ્ટ હુમલો ગણાવ્યો હતો. વધુમાં, ફ્રાન્સના ઈતિહાસનો 'ટર્નિંગ પોઈન્ટ' ગણાવતા તેમણે ઉમેર્યું કે, પીડિતોને તેમના ધર્મ અને ત્વચાના રંગના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા.
ફ્રાન્સમાં ફુગાવો (મોંઘવારી), બળતણના ઊંચા ભાવ અને જાહેર ક્ષેત્રના બજેટમાં કાપ સામે વિવિધ સંગઠનો, વિદ્યાર્થી જૂથો અને યલો વેસ્ટ આંદોલનના કાર્યકરો દ્વારા દેશવ્યાપી પ્રદર્શનોનુંઆહવાન કરવામાં આવ્યું છે. હિંસા, આગજની અને લૂંટફાટની શક્યતાને ધ્યાનમાં રાખીને સરકારે દેશભરમાં 70,000 થી વધુ પોલીસ અને સુરક્ષાકર્મીઓ તૈનાત કર્યા છે.
હેલિકોપ્ટર દ્વારા સર્વેલન્સ, બખ્તરબંધ વાહનો અને વોટર કેનન દ્વારા સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારો તેમજ પેરિસના લૂવ્ર મ્યુઝિયમ સહિતના પ્રખ્યાત સંગ્રહાલયો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આંતરિક મંત્રી લારન્ટ નુનેજે હિંસા ભડકાવનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.
ફ્રાન્સ સહિત યુરોપના કેટલાક દેશોમાં સંભવિત હિંસક પ્રદર્શનો અને તંગદિલીને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકો માટે ટ્રાફિક અને સુરક્ષા એડવાઇઝરી જારી કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલ જણાવ્યું કે ફ્રાન્સ, ઈટાલી અને બેલ્જિયમ સ્થિત ભારતીય દૂતાવાસોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તેઓ સતત સ્થાનિક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ભીડભાડવાળા વિસ્તારથી દૂર રહેવા, બહાર નીકળતા પહેલા સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવવા અને ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં રહેવા સલાહ આપી છે.
