France Shamonda Virus Update: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ફ્રાન્સમાં 'શમોંડા વાયરસ' (Shamonda Virus) ના વિશ્વના પ્રથમ માનવ સંક્રમણ કેસની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ફ્રાન્સના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંક્રમિત દર્દીની ઉંમર 60 વર્ષથી વધુ હતી અને તેમની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) પણ ખૂબ જ નબળી હતી. સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થયું છે.
અત્યાર સુધી આ વાયરસ માત્ર પશુઓમાં જ જોવા મળતો હતો અને તે સામાન્ય રીતે ઢોર, ઘેટાં, બકરીઓ, ઘોડા અને અલ્પાકા જેવા પ્રાણીઓને પ્રભાવિત કરે છે. પશુઓમાંથી મનુષ્યમાં વાયરસ ફેલાવાની આ પ્રથમ ઘટના સામે આવતા વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ સતર્ક થઈ ગઈ છે.
શામાંડા વાયરસ (Shamonda Virus) સૌપ્રથમ 1960 ના દાયકામાંનાઈજીરીયાના પશુઓમાં મળી આવ્યો હતો. ત્યારબાદ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં નાના-મોટા કિસ્સા નોંધાયા છે. આ વાયરસ શ્માલેનબર્ગ (Schmallenberg) વાયરસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જે પશુઓમાં પ્રજનન સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી કરવા માટે જાણીતો છે.
વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠન મુજબ, ગર્ભવતી પશુઓમાં આ વાયરસના કારણે ગર્ભપાત, મૃત જન્મ (સ્ટીલ બર્થ) અને જન્મજાત ખામીઓ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં પશુઓમાં તીવ્ર તાવ, ઝાડા, ભૂખ ન લાગવી અને દૂધના ઉત્પાદનમાં અચાનક મોટો ઘટાડો થવા જેવા લક્ષણો જોવા મળે છે.
મનુષ્યોમાં આ વાયરસના સંક્રમણનો આ પ્રથમ કિસ્સો હોવાથી, માનવ શરીરમાં તેના ચોક્કસ લક્ષણો કેવા હોઈ શકે તે અંગે હજુ સુધી પૂરતી માહિતી ઉપલબ્ધ નથી. જોકે, મનુષ્યોમાં આ વાયરસના સંક્રમણનું મુખ્ય કારણ 'ક્યુલિકોઇડ્સ' (Culicoides) પ્રજાતિની મિજ માખી કે નાના કીડાને માનવામાં આવી રહ્યું છે. આ કીડા સંક્રમિત પશુઓને કરડ્યા બાદ વાયરસના વાહક (કેરિયર) બને છે અને ત્યારબાદ મનુષ્યોને કરડીને વાયરસ ફેલાવી શકે છે.
રાહતની વાત એ છે કે, અત્યાર સુધી આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો હોવાના કે સંક્રમિત પશુઓને સ્પર્શ કરવા કે તેમની સંભાળ રાખવાથી ફેલાતો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. હાલમાં WHO અને આરોગ્ય એજન્સીઓ આ સંક્રમણના કારણો અને તેના જોખમોને વધુ સારી રીતે સમજવા માટે વધુ તપાસ કરી રહી છે.
