Tatiana Schlossberg: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીની પૌત્રી અને જાણીતી પર્યાવરણ પત્રકાર તાતિયાના શ્લૉસબર્ગનું મંગળવારે સવારે કેન્સરના કારણે નિધન થયું છે. તે માત્ર 35 વર્ષની હતી. તાતિયાના એક પ્રતિભાશાળી પત્રકાર હતી, જે આબોહવા પરિવર્તન અને પર્યાવરણના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક લખતી હતી. તેના મૃત્યુના સમાચારથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર દોડી ગઈ છે.
પરિવાર દ્વારા દુઃખદ સમાચારની જાહેરાત
આ દુઃખદ સમાચાર તેમના પરિવારે જોન એફ કેનેડી લાઈબ્રેરી ફાઉન્ડેશનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. પરિવારના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમારી સુંદર તાતિયાના આજે સવારે અમને છોડીને ચાલી ગઈ છે. તે હંમેશા અમારા હૃદયમાં રહેશે. આ ભાવુક પોસ્ટ તેમના પતિ જ્યોર્જ મોરન, બાળકો, માતા-પિતા કેરોલિન કેનેડી અને એડવિન શ્લોસબર્ગ તેમજ ભાઈ-બહેન જેક અને રોઝ સહિતના પરિવાર વતી કરવામાં આવી હતી. તાતિયાનાને બે નાના બાળકો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે.
બ્લડ કેન્સર સામે લડી રહી હતી તાતિયાના
તાતિયાનાને 'એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા' નામનું ખતરનાક બ્લડ કેન્સર હતું. મે 2024 માં તેમની પુત્રીના જન્મના તરત જ બાદ આ બીમારી વિશે જાણ થઈ હતી, જ્યારે ડોક્ટરોને તેમની સફેદ રક્ત કોશિકાઓની સંખ્યા અસામાન્ય રીતે વધારે જોવા મળી હતી. આ કેન્સર સામાન્ય રીતે વૃદ્ધોમાં જોવા મળે છે, પરંતુ તાતિયાનામાં એક દુર્લભ જિનેટિક મ્યુટેશન હતું જેને 'ઈન્વર્ઝન 3' કહેવામાં આવે છે. આ ખૂબ જ આક્રમક પ્રકારનું કેન્સર છે જેની સારવાર અત્યંત મુશ્કેલ હોય છે.
તાતિયાનાએ નવેમ્બર મહિનામાં 'ધ ન્યૂ યોર્કર' મેગેઝિનમાં એક નિબંધ લખ્યો હતો, જેમાં પોતાની બીમારીની સંપૂર્ણ કહાની વર્ણવી હતી. તેણે કીમોથેરાપીના અનેક રાઉન્ડ લીધા, બે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં પણ ભાગ લીધો હતો, પરંતુ કેન્સર ફરી પાછું આવ્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ તેને વધુમાં વધુ એક વર્ષ સુધી જીવિત રાખી શકે છે. તેના નિબંધમાં તેણે લખ્યું હતું કે મારો પ્રથમ વિચાર એ હતો કે મારો પહેલો વિચાર એ હતો કે મારા બાળકો, જેમના ચહેરા હંમેશા મારી આંખોમાં રહે છે, તેઓ મને યાદ નહીં રાખે.
એક તેજસ્વી પત્રકાર તરીકેની ઓળખ
તાતિયાના ન્યૂયોર્ક ટાઈમ્સમાં સાયન્સ અને ક્લાઈમેટ રિપોર્ટર રહી ચૂકી હતી. આ ઉપરાંત તેણે 'ધ એટલાન્ટિક' અને 'વેનિટી ફેર' જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનોમાં પણ લખ્યું હતું. 2019માં તેમની પુસ્તક "Inconspicuous Consumption: The Environmental Impact You Don’t Know You Have" પ્રકાશિત થઈ હતી, જે પર્યાવરણ પર આપણી રોજિંદી અસરો વિશે સમજાવે છે. આ પુસ્તકને એવોર્ડ પણ મળ્યો હતો.
પિતરાઈ ભાઈ આરએફકે જુનિયરની આકરી ટીકા
પોતાના નિબંધમાં તાતિયાનાએ તેમના પિતરાઈ ભાઈ રોબર્ટ એફ. કેનેડી જુનિયરની આકરી ટીકા કરી હતી, જેઓ હાલમાં ટ્રમ્પ પ્રશાસનમાં આરોગ્ય સચિવ છે. તેમણે લખ્યું હતું કે હોસ્પિટલના પલંગ પરથી તેઓ જોઈ રહ્યા હતા કે કેવી રીતે આરએફકે જુનિયર રસીની પહોંચ મર્યાદિત કરી રહ્યા છે અને મેડિકલ રિસર્ચના ફંડમાં કાપ મૂકી રહ્યા છે. તેમણે રોષ વ્યક્ત કર્યો હતો કે તબીબી કે જાહેર આરોગ્યના કોઈ અનુભવ વગર તેમને આ પદ સોંપવામાં આવ્યું છે.
