Khaleda Zia Passes Away: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના પ્રમુખ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેમના નિધનની જાણકારી BNP મીડિયા સેલના સત્તાવાર ફેસબુક પેજ પર આપવામાં આવી હતી.
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ
ખાલિદા ઝિયા લિવરની સમસ્યા, ડાયાબિટીસ તેમજ છાતી અને હૃદયની તકલીફો જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. તેઓ 23 નવેમ્બરથી ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમની તબિયત વધુ લથડતા 11 ડિસેમ્બરના રોજ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. BNP ના નિવેદન અનુસાર તેમણે મંગળવારે એટલે કે આજે સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
વિદેશમાં સારવાર માટે જવાની ઈચ્છા અધૂરી રહી
હોસ્પિટલના ડોક્ટરોએ અગાઉ જ જણાવ્યું હતું કે તેમની હાલત અત્યંત નાજુક છે અને તેમાં સુધારો જોવા મળી રહ્યો નથી. તેમની પાર્ટી BNP તેમને વધુ સારી સારવાર માટે વિદેશ લઈ જવા ઈચ્છતી હતી, પરંતુ તેમની અત્યંત નબળી શારીરિક સ્થિતિને કારણે તેમને વિદેશ લઈ જવાનું શક્ય બન્યું ન હતું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બરના રોજ ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે બેગમ ખાલિદા ઝિયાએ બાંગ્લાદેશના જાહેર જીવનમાં અનેક વર્ષો સુધી યોગદાન આપ્યું છે. તેમણે ઝિયાના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરવાની સાથે એમ પણ કહ્યું હતું કે ભારત તેમને દરેક સંભવ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
