Flydubai Attack: દુબઈથી ઇઝરાઇલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ (FZ1073) જ્યારે હવામાં હતી, ત્યારે તેના ઓમાની કો-પાયલટ હમામ અલ-હમ્મામીએ અચાનક કોકપિટની અંદર જ કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાખોરે કોકપિટમાં રાખેલી ઇમરજન્સી ક્રેશ એક્સ અને અન્ય હથિયાર વડે હુમલો કર્યો હતો.
આ અચાનક થયેલા હુમલાને કારણે વિમાન અચાનક બેકાબૂ થઈ ગયું હતું અને માત્ર થોડીક સેકન્ડોમાં જ હજારો ફૂટ નીચે ડાઇવ કરવા લાગ્યું હતું. આ જોઈને મોટો હવાઈ અકસ્માત સર્જાવાની આશંકા ઊભી થઈ હતી. સુરક્ષા એજન્સીઓએ તેને 'આંતકી હુમલાનો પ્રયાસ' ગણાવ્યો છે.
કેપ્ટન સ્મિત પર હુમલો અને 'ડિપ્રેસ્ડ ફ્રેક્ચર'
સૂત્રો અને રિપોર્ટ્સ મુજબ, સહ-પાયલોટ હમ્મામીએ પ્રાર્થના કરવાના બહાને કેપ્ટન સ્મિતનું ધ્યાન ભટકાવીને તેમના માથા પર ક્રેશ એક્સથી જોરદાર વાર કર્યો હતો.
આ હુમલાના કારણે કેપ્ટન સ્મિતને 'ડિપ્રેસ્ડ સ્કલ ફ્રેક્ચર' (Depressed Skull Fracture) જેવી ગંભીર ઈજા થઈ હતી.
આ મેડિકલ કંડિશનમાં ખોપડીનું હાડકું તૂટીને અંદરની તરફ એટલે કે મગજની દિશામાં ધકેલાઈ જાય છે, જે ખૂબ જ જોખમી માનવામાં આવે છે કારણ કે તે મગજ પર દબાણ કરે છે.
આ સિવાય કેપ્ટન સ્મિતને શરીરના અન્ય અંગો, છાતી અને પેટના ભાગે પણ ઊંડા ઘા અને ઈજાઓ થઈ હતી તથા ભારે લોહી વહી ગયું હતું.
કેપ્ટનનું અદ્ભુત સાહસ અને મુસાફરોના જીવનું રક્ષણ
ભારે લોહી વહી રહ્યું હોવા છતાં, અસહ્ય પીડા અને ઝાંખી દ્રષ્ટિ વચ્ચે પણ કેપ્ટન સ્મિતે હિંમત હારી નહીં.તેમણે જીવના જોખમે સંઘર્ષ ચાલુ રાખ્યો અને હિંમત દાખવીને કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા.
દરવાજો ખુલતા જ કેબિન ક્રૂ અને મુસાફરો તાત્કાલિક કોકપિટની અંદર દોડી આવ્યા અને સહ-પાયલોટને કાબૂમાં લઈને પકડી લીધો.
ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા અન્ય ઓન-ડ્યુટી/ઓફ-ડ્યુટી પાયલોટોએ પણ તરત જ મોરચો સંભાળ્યો અને વિમાનને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તાબુક (Tabuk) સ્થિત પ્રિન્સ સુલ્તાન બિન અબ્દુલ અઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. આ રીતે વિમાનમાં સવાર તમામ 174 મુસાફરોના જીવ બચી ગયા.
સાઉદી અરેબિયામાં સર્જરી અને વર્તમાન સ્વાસ્થ્ય અપડેટ
ઘટના બાદ તાત્કાલિક કેપ્ટન સ્મિતને સાઉદી અરેબિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમે તેમની ઇમરજન્સી સર્જરી કરીને ખોપડીની સફળ સારવાર અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
સાઉદી અરેબિયામાં પ્રાથમિક અને નાજુક તબીબી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ, ગત અઠવાડિયે તેમને એડવાન્સ્ડ મેડિકલ કેર માટે એરલિફ્ટ કરીને અબુ ધાબી લઈ જવામાં આવ્યા હતા.
હાલ તેઓ અબુ ધાબીની મિલિટરી હોસ્પિટલમાં વિશેષ તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયતમાં ક્રમશઃ સુધારો થઈ રહ્યો છે. પરિવારના સભ્યોને પણ તેમને મળવાની અને સ્વાસ્થ્ય અંગે અપડેટ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ઘટના બાદ ભારત અને ઇઝરાઇલ સહિતના દેશોના શીર્ષ નેતૃત્વ દ્વારા કેપ્ટન સ્મિતના અદભુત સાહસ, સંયમ અને હાજરી-જવાબની ભારે પ્રશંસા કરવામાં આવી છે.
