Kash Patel Engagement: અમેરિકી તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર કાશ પટેલ (Kash Patel) પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવ્યા છે. કાશ પટેલે તેમની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને જાણીતી કન્ટ્રી મ્યુઝિક સિંગર એલેક્સિસ વિલ્કિન્સ (Alexis Wilkins) સાથે સગાઈ કરી લીધી છે. આ કપલે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની સત્તાવાર જાહેરાત કરીને ચાહકોને સરપ્રાઈઝ આપી છે.
સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં કરી જાહેરાત
સિંગર એલેક્સિસ વિલ્કિન્સે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કાશ પટેલ સાથેની એક સુંદર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તે પોતાની ડાયમંડ એંગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. આ તસવીર સાથે તેણે ખૂબ જ મજેદાર કેપ્શન લખ્યું છે કે, "Went and got the law involved" (એટલે કે, હવે કાયદા સાથે પનારો પાડી દીધો છે!). એફબીઆઈ ચીફના પદ પર બેઠેલા કાશ પટેલ સાથે જોડાયેલી આ ફની અને રોમેન્ટિક લાઇન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બાદમાં કાશ પટેલે પણ આ પોસ્ટને રિપોસ્ટ કરીને હાર્ટ અને રિંગના ઇમોજીસ શેર કર્યા હતા.
❤️💍
— Kash Patel (@Kash_Patel) October 4, 2026
કેવી રીતે શરૂ થઈ હતી પ્રેમ કહાની?
મીડિયા રિપોર્ટ્સ અને કપલ દ્વારા અગાઉ આપેલા ઇન્ટરવ્યુ મુજબ, કાશ પટેલ અને એલેક્સિસ વિલ્કિન્સની પહેલી મુલાકાત વર્ષ 2022માં નેશવિલ (Nashville) ખાતે એક મિત્રના ઘરે થઈ હતી. આ મુલાકાત ધીમે-ધીમે મિત્રતા અને પછી પ્રેમમાં બદલાઈ ગઈ. બંને વર્ષ 2023થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
જ્યારે ફેબ્રુઆરી 2025માં કાશ પટેલે એફબીઆઈ ડિરેક્ટર તરીકે શપથ લીધા હતા, ત્યારે પણ એલેક્સિસ વિલ્કિન્સ તેમની સાથે હાજર રહી હતી. જોકે, બંનેની ઉંમરમાં લગભગ 19 વર્ષનું અંતર હોવાને કારણે આ સંબંધ અગાઉ પણ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો, પરંતુ આ જોડીએ હંમેશા પોતાના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકાર્યા છે.
સમુદાય અને ચાહકોમાં ઉત્સાહ
કાશ પટેલની ગણતરી અમેરિકાના પ્રભાવશાળી સુરક્ષા અધિકારીઓમાં થાય છે, જ્યારે એલેક્સિસ વિલ્કિન્સ એક લોકપ્રિય કન્ટ્રી સિંગર હોવાની સાથે લાઈફસ્ટાઇલ બ્રાન્ડ અને પબ્લિક ફિગર તરીકે જાણીતી છે. આ સગાઈની ઘોષણા બાદ સોશિયલ મીડિયા પર બંનેને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે અને આ કપલ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.
