દુબઈમાં બનશે વિશ્વનો પ્રથમ 24-Carat ગોલ્ડ વોક-વે, સાથે જ નોંધાયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

આગામી 2 મહિનાની અંદર 24-Carat ગોલ્ડ વોકવે ખુલ્લો મૂકવાની તૈયારી ચાલી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 25 Oct 2026 05:44 PM (IST)Updated: Sun, 25 Oct 2026 05:44 PM (IST)
dubai-24-carat-gold-walkway-joyalukkas-heaviest-gold-earrings-guinness-world-records

Dubai 24 Carat Gold Walkway: દુબઈમાં ટૂંક સમયમાં જ પ્રવાસીઓ અને સ્થાનિક રહીશો માટે એક અનોખું આકર્ષણ ખુલ્લું મુકવામાં આવશે, જ્યાં લોકો 24-Carat સોના પર ચાલવાનો અદ્ભુત અનુભવ મેળવી શકશે. દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2026 ના અંત પહેલા એટલે કે આગામી 2 મહિનાની અંદર 24-Carat ગોલ્ડ વોકવે ખુલ્લો મૂકવાની તૈયારી ચાલી રહી છે.

'ગલ્ફ ન્યૂઝ' અહેવાલ મુજબ, આ વોકવે વિશ્વનો સૌપ્રથમ અને સૌથી લાંબો સુવર્ણ માર્ગ હશે. દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટના કમર્શિયલ સીનિયર ડિરેક્ટર રાશિદ અલ હરમૂદીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી ટુરિઝમનો એક નવો અનુભવ મળશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ અને જ્વેલરી ટ્રેડિંગ હબ તરીકે દુબઈનું સ્થાન વધુ મજબૂત બનશે.

દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં સુવર્ણ અને રત્નોના વેપારમાં પણ અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ 2026 ની શરૂઆતથી જ હોલસેલ ગોલ્ડ ટ્રેડિંગ ઓફિસોની સંખ્યામાં 20% નો વધારો થયો છે. આ ઉપરાંત સોનું, દાગીના, કિંમતી રત્નો અને લક્ઝરી ઘડિયાળો વેચતી નવી દુકાનોની સંખ્યામાં પણ 15% નો ગ્રોથ જોવા મળ્યો છે.

નવું ઓફિસ અને રિટેલ સ્પેસ ડેવલપ થવાના કારણે આગામી વર્ષે અહીં શિફ્ટ થનારી કંપનીઓની સંખ્યામાં 10 થી 20% સુધીનો વધારો થવાની ધારણા છે. સાથે જ, મધ્યપૂર્વ (Middle East) નું સૌથી મોટું ગોલ્ડ અને જ્વેલરી એક્ઝિબિશન સેન્ટર બનાવવાની યોજના પણ આકાર લઈ રહી છે.

આ સાથે જ દુબઈ જ્વેલરી ઇન્ડસ્ટ્રીના નામે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records) પણ નોંધાયા છે. 'જોયાલુકસ જ્વેલરી' (Joyalukkas Jewellery) વિશ્વની સૌથી ભારે અને સૌથી મોટા સોનાના ઝૂમખાં બનાવીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. "સહસ્ર માઈલ", જેનો અર્થ હજારો મોર થાય છે, નામ આપવામાં આવેલી આ ટ્રેડિશનલ ઇન્ડિયન ઝૂમખાં ડિઝાઇન 22-Carat સોનામાંથી બનાવવામાં આવી છે.

હાથ બનાવટની આ એરિંગ્સનું વજન 16.514 kilograms છે અને તેને તૈયાર કરવામાં ઘણા મહિનાઓની કુશળ કારીગરી લાગી હતી. ભારતીય સંસ્કૃતિમાં સુંદરતા, ગ્રેસ અને ગૌરવના પ્રતિક સમાન મોરની ડિઝાઇન પરથી આ પ્રેરણા લેવામાં આવી છે.

UAE અર્થશાસ્ત્ર અને પર્યટન મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મરીએ દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ સ્થિત જોયાલુકસ શોરૂમ ખાતે વર્લ્ડ રેકોર્ડ બનાવનાર એરિંગ્સનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના પ્રતિનિધિઓ દ્વારા અધિકૃત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

જોયાલુકસ ગ્રુપના ચેરમેન જોય અલુકસે સ્પષ્ટ કર્યું હતું કે, આ ઐતિહાસિક એરિંગ્સ વેચાણ માટે મૂકવામાં આવશે નહીં, પરંતુ તેને કળાના ઉત્કૃષ્ટ નમૂના તરીકે દુબઈમાં કાયમી પ્રદર્શન માટે રાખવામાં આવશે. આ ગોલ્ડ વોકવે, વધતા વેપાર અને વિશ્વવિક્રમી જ્વેલરી સાથે દુબઈ ગ્લોબલ ગોલ્ડ સેન્ટર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત કરી રહ્યું છે.