Donald Trump Warns Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાના પર એકવાર ફરી ઈરાન આવ્યું છે. ટ્રમ્પે આ મુસ્લિમ દેશને સીધી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ઈરાને ફરીથી પોતાનો પરમાણુ કાર્યક્રમ શરૂ કર્યો તો અમેરિકા હવાઈ હુમલા કરીને ઈરાનને તબાહ કરી દેશે. ઓ એટલા હવાઈ હુમલા કરશે કે ઈરાનને ફરીથી ઊભા થવામાં વર્ષો વીતી જશે.
ઈરાન પર હવાઈ હુમલાની ધમકી
ફ્લોરિડાના માર-એ-લાગો ક્લબમાં પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને પરમાણુ પ્રોગ્રામ ફરી શરૂ કર્યો અથવા બેલેસ્ટિક મિસાઈલ બનાવવાની કોશિશ કરી, તો તેઓ ઈરાનને બરબાદ કરી દેશે. ટ્રમ્પે ખાતરી આપી હતી કે જો ઈરાન આ કાર્યક્રમો ચાલુ રાખશે, તો અમેરિકા ઈરાન પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવતા હુમલાઓનું સમર્થન કરશે.
માર-એ-લાગોમાં ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ઈરાનના પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમને મધ્ય પૂર્વની શાંતિ માટે મોટો ખતરો ગણાવ્યો હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન પોતાનો પ્રોગ્રામ ફરી એક્ટિવ કરી શકે છે તેવી સંભાવનાઓ છે અને જો તેવું થશે તો ઈરાને તેના પરિણામો વિશે વિચારી લેવું જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે ઈરાનને અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરવાનો મોકો અને વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે તેનો ફાયદો ઉઠાવ્યો નથી.
ઈરાનની ગતિવિધિઓ પર નજર
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે વોશિંગ્ટન ઈરાનની ગતિવિધિઓ પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે એવી ચર્ચાઓ છે કે ઈરાન ફરી પોતાની તાકાત વધારવા મથામણ કરી રહ્યું છે અને જો તે આવું કરશે તો પરિણામ પહેલા કરતા પણ વધુ ખરાબ હશે.
