Trump Zelenskyy Meeting: યુક્રેન શાંતિ માટે તૈયાર… જાણો ફ્લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે શું વાતચીત થઈ?

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે યુક્રેન યુદ્ધનો અંત લાવવાના રાજદ્વારી પ્રયાસો અંતિમ તબક્કામાં છે. શાંતિ વાર્તા 95 ટકા સફળ રહી છે. જોકે ડોનાબાસ વિસ્તારને લઈને હજુ પણ વિવાદ યથાવત છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 29 Dec 2025 07:51 AM (IST)Updated: Mon 29 Dec 2025 07:51 AM (IST)
donald-trump-and-zelenskyy-talks-in-florida-russia-ukraine-peace-plan-663796

Trump Zelenskyy Meeting: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે ફ્લોરિડામાં ટ્રમ્પના ક્લબ માર-એ-લાગો ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટેની શાંતિ યોજના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ડોનાબાસ મુદ્દે પેચ ફસાયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે યુક્રેન યુદ્ધનો અંત લાવવાના રાજદ્વારી પ્રયાસો અંતિમ તબક્કામાં છે. મને લાગે છે કે આપણે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છીએ. શાંતિ વાર્તા 95 ટકા સફળ રહી છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ડોનાબાસ વિસ્તારને લઈને હજુ પણ વિવાદ યથાવત છે. જો આ પ્રાદેશિક વિવાદનો ઉકેલ નહીં આવે, તો જંગ હજુ વધુ લાંબો સમય ચાલી શકે તેવી શક્યતા છે.

શાંતિ પ્રક્રિયાને અંતિમ ઓપ આપવા માટે ટ્રમ્પે ભવિષ્યની યોજના વિશે પણ સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે યોગ્ય સમય આવવા પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે એક ત્રિપક્ષીય બેઠક યોજવામાં આવશે, જેથી કાયમી શાંતિ સ્થાપી શકાય.

રશિયા સાથે ફોન પર વાતચીત
ટ્રમ્પે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શાંતિ પ્રત્યે ખૂબ જ ગંભીર છે. તેમણે વધુમાં કહ્યું કે યુક્રેનની સુરક્ષાની ખાતરી આપવા માટે એક મજબૂત કરાર થશે, જેમાં યુરોપિયન દેશોનો સમાવેશ થશે. તેમણે કહ્યું કે ઝેલેન્સકી સાથેની મુલાકાતના થોડા કલાકો પહેલા જ તેમણે રશિયન નેતા વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે રશિયા ઇચ્છે છે કે યુક્રેન સફળ થાય. આ થોડું વિચિત્ર લાગે છે, પરંતુ હું રાષ્ટ્રપતિને સમજાવી રહ્યો હતો કે રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનની સફળતા માટે ખૂબ જ ઉદાર હતા, જેમાં ખૂબ જ ઓછી કિંમતે ઊર્જા, વીજળી અને અન્ય વસ્તુઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. તેથી આજે તે કોલમાંથી ઘણી સારી બાબતો બહાર આવી.

ઝેલેન્સકીએ શું કહ્યું?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે અમે બધા વિષયો પર ઉત્તમ ચર્ચા કરી અને અમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં યુએસ અને યુક્રેનિયન ટીમો દ્વારા થયેલી પ્રગતિની પ્રશંસા કરીએ છીએ. અમે શાંતિ માળખાના તમામ પાસાઓ પર ચર્ચા કરી. તેમણે ઉમેર્યું, "સમૃદ્ધિ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને અમે આગળ વધવાની કાર્યવાહીની પણ ચર્ચા કરી છે. અમારી ટીમો તમામ પાસાઓ પર કામ કરવાનું ચાલુ રાખશે. યુક્રેન શાંતિ માટે તૈયાર છે.

આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની રાજદ્વારી સફળતાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તેઓ અત્યાર સુધીમાં 8 યુદ્ધો રોકાવી ચૂક્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રશિયા-યુક્રેન વચ્ચેનું આ 9મું યુદ્ધ રોકવામાં પણ તેઓ સફળ રહેશે.