India Pakistan Tensions: અમેરિકા બાદ હવે ચીને પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઓછો કરવામાં મધ્યસ્થતા કરી હોવાનો દાવો રજૂ કર્યો છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે જણાવ્યું હતું કે આ વર્ષે ચીન દ્વારા મધ્યસ્થતા કરવામાં આવેલા મુખ્ય મુદ્દાઓની યાદીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 થી 10 મે દરમિયાન સંઘર્ષ થયો હતો અને ત્યારબાદ 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો. આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવવા અંગે અનેક વખત દાવો કરી ચૂક્યા છે.
મધ્યસ્થતા પર ભારતનું સ્પષ્ટ વલણ
ભારત આ મામલે હંમેશા મક્કમ રહ્યું છે અને તેણે સ્પષ્ટતા કરી છે કે બંને દેશોની સેનાઓના ડીજીએમઓ (DGMO) વચ્ચેની વાતચીત બાદ જ યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો. ભારતનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન સાથે સંબંધિત કોઈપણ આંતરિક કે દ્વિપક્ષીય મામલાઓમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતા કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
બેઇજિંગમાં વાંગ યીનું સંબોધન
ચીની વિદેશ મંત્રીએ બેઇજિંગમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ચીનના વિદેશ સંબંધો પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મહત્વનું નિવેદન આપ્યું હતું. વાંગ યીએ જણાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધના અંત પછી આ વર્ષે સ્થાનિક યુદ્ધો અને સરહદ પારના સંઘર્ષોની ઘટનાઓ વધુ વાર જોવા મળી છે.
વાંગ યીના મતે સ્થાયી શાંતિ સ્થાપવા માટે ચીને માત્ર ભારત-પાકિસ્તાન જ નહીં, પરંતુ ઉત્તરી મ્યાનમાર, ઈરાન પરમાણુ મુદ્દો, પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચેના વિવાદો તેમજ તાજેતરના કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચેના સંઘર્ષમાં પણ મધ્યસ્થતા કરી હોવાનો દાવો કર્યો છે.
